પ્રદેશ કોંગ્રેસની કચ્છના ‘પક્ષવિરોધી’ઓ પર કયારે તવાઈ?

ગતવિધાનસભાની ચૂંટણીમાં પક્ષને નુકસાન પહોંચાડતી કાર્યવાહી કરવા બદલ પાંચ જેટલા અગેવાનોને ફટકારાઈ શો-કોઝ નોટીસ : કચ્છમાં પણ માંડવી-
ભુજ- સહિતના મુરતીયાઓ દ્વારા ખુદ ‘ઘરના જ ઘાતકી’ઓની નામજોગ પ્રદેશસ્તરે ફરીયાદ કરી હતી..હજુ સુધી કોઈની સામે નથી કરાઈ કાર્યવાહી

 

ગાંધીધામ : ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માટે ઉજળા ચિહ્નો હોવા ઉપરાંત પણ સરકાર ગઠનની સ્થિતીથી અહી દુર જ રહી જવા પામી હતી જેમાં કેટલીક બેઠકો કોંગ્રેસને ઘરના ઘાતકી એટલે કે અંદરોઅંદરની ખેંચતાણ અને જે-તે વિધાનસભા બેઠકમાં પક્ષના જ ઉમેદવારને પક્ષના જ સક્ષમ કાર્યકર્તા-નેતાઓએ હરાવ્યા હોવાની સ્થીતી સર્જાઈ હોવાનું એક તારણ સામે આવ્યુ હતુ.
દરમ્યાન જ આ વચ્ચે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ દ્વારા તાજેતરમાં જ પ્રદેશકક્ષાના પાંચ જેટલા નેતાઓને ગત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતીઓ સબબ શો કોઝ નોટીસ ફટકારી દીધી હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાટણ-અમરેલી-મહેસાણા સહિતના ક્ષેત્રમાં જિલ્લા પંચાયત કક્ષાના મોભીઓને આ નોટીસ ફટકારવામા આવી છે ત્યારે કચ્છના રાજકીય બેડામાં પણ ચર્ચા થવા પામી રહી છે કે પ્રદેશ કોંગ્રેસ કચ્છના પક્ષવિરોધીઓ પર કયારે બોલાવશે તવાઈ?
કારાણ કે જે રીતે ગત વિધાનસભની ચૂંટણીઓમાં રાજયભરની કેટલીક બેઠકોમાં ઘરના ઘાતકી પક્ષને માટે પુરવાર થયા છે તેમં ભુજ અન માંડવી બેઠકમાં પણ મોટા અપસેટ સર્જાયા છે અને અહી પણ અન્ય પરીબળોની સાથોસાથ જ પ્રદેશસ્તરે પહોંચેલી ફરીયાદમાં પક્ષના આંતરીક તત્વો જ વિઘ્ન રૂપ બન્યા હોવાની વાત પહોંચી હતી. ભુજના કોંગ્રસના ઉમેદવાર તગડી સરસાઈથી આગળ રહ્યા બાદ તેઓની અહી હાર થવા પામી હતી તો વળી માંડવીમાં પક્ષના રાષ્ટ્રીય કદાવર નેતા શકિતસિંહ ગોહીલની હાર થવા પામી છે. કહેવાય છે કે, વિધાનસભાની ચૂંટણી બાદ મહેસાણા ખાતે કોંગ્રેસની યોજાયેલી ચિંતન શિબીરમાં નકકી કરાયા અનુસાર ખુદ ઉમેદવારોએ જ લેખિતમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનારાના નામો આપવાનુ જણાવાયુ હતુ. અને તે અનુસાર જ કચ્છમાથી પણ ભુજ-માંડવી સહિતના આવા પક્ષવિરોધીઓની નામજોગ વિગતો મોકલાવાઈ હતી. આવા તમામની સામે હજુ સુધી તો કોઈજ કડક કાર્યવાહી કરવામા આવી હોય તેવુ જણાયુ નથી. લોકસભાની ચૂંટણી ટકોરા મારી રહી છે ત્યારે કચ્છમાં પણ આવા સડ્ડારૂપ શખ્સોને દુર કરવા એ સમયની માંગ બની રહી છે.