પ્રતિબંધિત ઓક્સિટોસીનનો કચ્છમાં ધીકતો ધંધો

પશુઓમાં દુધ ઉત્પાદન વધે તે માટે આપવામાં આવી રહ્યા છે આ ઈન્જેક્શન : માનવજીવન સાથે ખુલેઆમ
થઈ રહેલો ખિલવાડ : લીલા ઘાસચારાની સરખામણીએ સુકા ઘાસચારામાં પોષક તત્ત્વોનો અભાવ હોતા
પશુપાલકો વધુ દુધ મેળવવાની લ્હાયમાં હાનીકારક ઓકસીટોસીનનો કરી રહ્યા છે ખુલેઆમ ઉપયોગ :
મેડિકલ સ્ટોર અને કરિયાણાની દુકાનમાં નિયમોનું ઉલ્લંઘન કરીને થઈ રહ્યો છે વેપાર

(બ્યુરો દ્વારા)ભુજ : દુધાળા પશુઓમાંથી વધુ દુધ મેળવવા ગેરકાયદે રીતે વપારાતા ઓકસીટોસીન ઈન્જેકશન કે જેના પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાયો હોવા છતા તેનું સમગ્ર કચ્છમાં ખુલેઆમ વેપલો થઈ રહ્યો છે. માનવીને જીવનજરૂરી એવા દુધના ભાવમાં સતત વધારાના લીધે ઠેર ઠેર તગડી કમાણી કરી લેવા લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી બનાવટી દુધ બનાવવાના અનેક કૌભાંડો પ્રકાશમાં આવ્યા છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વધુ દુધ મેળવવા માટ ેપશુપાકલકો દ્વારા દુધાળા પશુઓને ઓકસીટોસીનના ઈન્જેકશન આપીને મનુષ્ય અને પશુઓના આરોગ્ય સાથે ખીલવાડ કરાઈ રહ્યો છે. સરકાર દ્વારા જો કે ઓકસીટોસીન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને લાઈસન્સ વગર વેચી શકાતો નથી તેમ છતા આજે તેનો ખુલેઆમ ભંગ કરીનો કરીયાણાની દુકાનમાં પણ વેચાઈ રહ્યા છે.વિસ્તારની દ્રષ્ટિએ અતિ વિશાળ એવા કચ્છ જિલ્લામાં પશુપાલન ઉદ્યોગ વિશાળ પાયા પર કાર્યરત છે. પશુપાલન ઉદ્યોગ થકી જિલ્લામાં હજારો લોકો પ્રત્યક્ષ પરોક્ષ રીતે રોજગારી મેળવી રહ્યા છે. પશુપાલન ક્ષેત્રે રહેલી ઉજળી તકોને જોતા પારંપરીક પશુપાલકોની સાથોસાથ અન્ય લોકો પણ પશુપાલનને મુખ્ય વ્યવસાય તરીકે અપનાવતા થયા છે. ખેતીની જેમ પશુપાલન વ્યવસાય પણ વરસાદ પર નિર્ભર હોઈ જો ચોમાસું નબળું જાય તો પશુપાલન ઉદ્યોગને ફટકો પડતો હોય છે. ચાલુ સાલે નહીવત વરસાદના કારણે લીલો ઘાસચારો પુરતા પ્રમાણ ઉપલબ્ધ ન હોઈ સુકા ઘાસચારા પર માલધારીઓને નિર્ભર રહેવું પડે છે. લીલા ઘાસચારાની સરખામણીએ સુકા ઘાસચારામાં પોષક તત્ત્વોનો અભાવ રહેતો હોઈ તેના લીધે દુધ ઉત્પાદન પર પણ અસર પડે છે. જેથી પશુપાલકો વધુ દુધ મેળવવાની લ્હાયમાં હાનીકારક ઓકસીટોસીનનો ખુલેઆમ ઉપયોગ કરી રહ્યા છે. કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતિબંધિત ઓકસીટોસીનના ઈન્જેકશન કરીયાણા કે અન્ય વસ્તુઓની દુકાનમાં પણ સહેલાઈથી મળી જતો હોવાથી બેરોકટોક તેનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ઈન્જેકશન નજીવી કિંમતે સામાન્ય દુકાનમાં પણ મળતુ હોવાથી પશુપાલકો તેની જથ્થાબંધ ખરીદી કરી લે છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પ્રેકટીસ કરતા ડીગ્રી વગરના પશુ તબીબો પણ તગડી કમાણી કરવા માટે પશુપાલકોને આવા શોર્ટકટ રસ્તાઓ અપનાવવાનું શીખવે છે. પશુપાલકોમાં પણ આ હાનિકારક ઓકસીટોસીન ઉપયોગની જાગૃતતાનો અભાવ હોવા છતા સરકાર દ્વારા કોઈ જાગૃતિ લક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓકસીટોસીનમાં સીન્થેટીક ઈસ્ટ્રોજન હોવાથી દુધાળા પશુના શારીરીક સમીકરણોમાં મોટા ફેરફાર થાય છે ખાસ કરીને પશુની દુધની નળીઓ ખુલે છે અને દુધની લેટડાઉન પ્રક્રિયામાં પણ મદદરૂપ થાય છે પરંતુ જેથી આ ઈન્જેકશનનો દિવસમાં બે વખત રોજીંદા અપાતા હોવાથી શરીરની દુધ આપવાની પ્રક્રિયા નીયમિત થાય છે. આમ દુધાળા પશુ ઓકસીટોસીન આદી બની જાય છે અને જયાં સુધી આ ઈન્જેકશન અપાય નહીં ત્યાં સુધી દીધ આપી શકતું નથી. પ્રતિબંધીત ઓકસીટોસીન દુધાળા પશુઓ તેમજ મનુષ્યના આરોગ્યને હાનિ પહોંચાડે છે તેમજ પશુપાલકો દ્વારા તેનો ઉપયોગ કરીને સિરીન, બોટલ તેમજ ઈન્જેકશન જયા ત્યાં ફેંકી દેવામાં આવતા હોવાથી પર્યાવરણને પણ નુકશાન થાય છે.