પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ બની શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ

તો મોદીની વિદેશ નીતિ મુદ્દે ફરી થાય વ્યૂહાત્મક બીજી જીત : અગાઉ ઓબામા બની ચુક્યા છે રાષ્ટ્રીય પર્વના મુખ્ય મહેમાન

 

નવીદિલ્હી : ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ના પ્રજાસત્તાક દિવસની પરેડમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના મુખ્ય અતિથિ તરીકે સામેલ થાય તેવી શક્યતા છે. એક મળતા અહેવાલ મુજબ ભારતે ૨૦૧૯ના પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય અતિથિ તરીકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે.
જો કે ભારત તરફતી હજી સુધી આ આમંત્રણ પર અમેરિકા તરફથી સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ ભારતે અમેરિકાને આમંત્રણ એપ્રિલમાં મોકલ્યું હતું. એક અહેવાલ મુજબ અમેરિકા ભારતના આમંત્રણ પર વિચાર કરી રહ્યું છે. ભારતે અમેરિકાને આ આમંત્રણ બંને દેશો વચ્ચે યોજાયેલ રાજકીય ચર્ચા બાદ મોકલવામાં આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જો અમેરિકાના રાષ્ટ્રપતિ ભારતનું આ આમંત્રણ સ્વીકારી લે તો બંને દેશો વચ્ચે વિદેશ નીતિના સ્તર પર નરેન્દ્ર મોદીની સરકારની આ મોટી જીત હશે. ડોનાલ્ડ ટ્રમ્પે મુખ્ય અતિથિ તરીકે મંજૂરી આપી તો આ બીજો અવસર હશે જ્યારે કોઇ અમેરિકાના રાષ્ટ્રપતિ ભારતના પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ બન્યા હોય. આ અગાઉ ૨૦૧૫માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામા પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પને સૌથી પહેલી શુભેચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી હતી.