પ્રજાજનોની મુશ્કેલી ઘટાડવા સરકારે સેવા સેતુ આરંભ્યો

રાજયમંત્રી વાસણભાઈ આહિરે આંબાપર ગામે સેવા સેતુ કાર્યક્રમને ખુલ્લો મૂકયો

અંજાર : પ્રજાજનોને તેમના વ્યકિતલક્ષી પ્રશ્નો અને સરકારી યોજનાની અમલવારી માટે સ્થાનિક કક્ષાએ સ્થળપર પ્રશ્નોના નિકાલ કરી લોકોના ખર્ચ અને ધકકાં બચે તે માટે રાજય સરકારે ‘સેવા સેતુ’ કાર્યક્રમ આરંભીને એક જ સ્થળેથી સરકારની વિવિધ સેવાઓ મળી રહે છે, તેનું આયોજન કર્યું છે તેમ આંબાપર ગામે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવતાં રાજયમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું. અંજાર તાલુકાના આંબાપર ગામે કાર્યક્રમનો ખુલ્લો મૂકતાં રાજયમંત્રી વાસણભાઈ આહિરે વધુમાં જણાવ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમથી લોકોને તાલુકા મથકે વિવિધ કચેરીમાં જવું ન પડે અને ઘર આંગણે તેઓના પ્રશ્નો ઉકેલાય તેવો સરકારનો આશય ફળીભૂત થઇ રહયો છે. આંબાપર ગ્રામ વિકાસ સમિતિ દ્વારા રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિર સમક્ષ આંબાપર ખાતે ઉચ્ચ માધ્યમિક શાળા માટેની માંગણી રજૂ કરાઇ હતી, તેને રાજયમંત્રી શ્રી આહિરે સ્વીકારીને પૂર્ણ કરવા હૈયાધારણ આપી હતી. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી દેસાઇએ નાના-નાના કામો માટે સમયનો બચાવ થાય અને એક જ સ્થળે પ્રશ્નોનો નિકાલ થતો હોઇ, ગ્રામજનોને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે
આંબાપરના પૂર્વ સરપંચ ધનજીભાઈ બકુત્રાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે અંજાર તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ ડાંગર, કારોબારી ચેરમેન બાબુભાઈ મરંડ, તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ આહિર,તા.પં.ના સદસ્યો, આજુબાજુ ગામોના સરપંચો, મામલતદાર, પશુપાલન સહિત વિભાગોના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં
ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અંકુરભાઈ અને ધનજીભાઈ હુંબલે જયારે આભારદર્શન રમેશભાઈ બકુત્રાએ કર્યું હતું.