પોસ્ટ કૌભાંડમાં મહિલા એજન્ટના ર૮ લાખ રપ દિવસમાં જમા કરાવાની શરતે જામીન મંજૂર

ભુજ : ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસના રૂા.૧.૭પ કરોડના ચકચારી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપી મહિલા એજન્ટ પ્રજ્ઞાબેન સચિનભાઈ ઠક્કરના ર૮ લાખ દિવસ રપમાં જમા કરાવાની શરતે જામીન અપાયા છે. જો રકમ ન ભરી શકે તો તેમના સાસુ આ રકમ ભરશે તેવી એફીડેવીટ પણ કરાઈ છે.આ કેસની વધુ વિગત મુજબ આરોપી પ્રજ્ઞાબેન રાવલવાડી સબ પોસ્ટ ઓફિસમાં મહિલા પ્રધાન ક્ષેત્રીય બચત યોજનાના એજન્ટ તરીકે કાર્યરત હતા. તેમના પતિ સચિન ઠક્કર, સબ પોસ્ટ માસ્તર બિપિનચંદ્ર રાઠોડ તેમજ બટુક વૈષ્ણવ સાથે મળીને રૂા.૧.૭પ કરોડનું કૌભાંડ આચર્યું હતું. આ અંગે પોસ્ટ ઈન્સ્પેક્ટર ભરતસિંહ હેમુભા જાડેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અગાઉ પણ આરોપી મહિલા એજન્ટ પ્રજ્ઞાબેને આગોતરા જામીન કર્યા હતા, પરંતુ તે પણ નામંજૂર કર્યા હતા. પુનઃ પ્રજ્ઞાબેને ભુજની શેસન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. આરોપીના વકીલે દલીલો કરી હતી કે, આ આરોપી મહિલા આટલું મોટું આર્થિક કૌભાંડ કરી શકે તેમ નથી. તેમના ખાતામાં ઉંચાપતના રૂા.ર૮,૩૦,૪૩રની રકમ જમા થઈ છે તે તપાસ દરમિયાન બહાર આવ્યું છે. ૧૦માં અધિક સેશન્સ જજ આર.એમ.મંદાણીએ આરોપી પ્રજ્ઞાબેન સચિનભાઈ ઠક્કરને રપ દિવસમાં તેમના ખાતામાં જમા થયેલા રૂા.ર૮.૩૦ લાખ કોર્ટમાં જમા કરાવાની શરતે જામીન મંજૂર કર્યા છે. જો આ રકમ ભરી ન શકે તે બાંહેધરી રૂપે તેમના સાસુ લક્ષ્મીબેન શંકરલાલભાઈ ઠક્કર ભરશે તેવી એફીડેવીટ કરવામાં આવી છે. આરોપી પક્ષે વકીલ તરીકે આર.એસ.ગઢવીએ દલીલો કરી હતી.