પોલીસ બંદોબસ્તના અભાવે અબડાસાના ધુફીની ગૌચર દબાણ હટાવ કામગીરી મોકુફ

નલીયા : દર વરસે અબડાસા તાલુકાના ધુફી મધ્યે ગૌચરની હજાર એકર જમીન પર દબાણકારો વાવેતર કરે છે અને રજુઆત બાદ દબાણ હટાવાય છે તેમ આ વરસે પણ મહેસુલ તંત્ર દ્વારા બુધવારના દબાણ હટાવ કામગીરી હાથ ધરવાની હતી પરંતુ પોલીસ બંદોબસ્તના અભાવે કામગીરી મોકુફ રખાઈ છે. અબડાસા તાલુકાના ધુફી મધ્યે ગૌચર જમીન પર થયેલ દબાણ દુર કરવા ઉચ્ચ કક્ષાએ ફરીયાદ થયા બાદ સ્થાનિક તંત્રને દબાણ હટાવવાનો આદેશ કરવામાં આવેલ જે અન્વયે બુધવાર ૧૩ તારીખે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવાની હતી.પરંતુ હાલ પોલીસ મેળાઓના બંદોબસ્ત અને અન્ય બંદોબસ્તમાં રોકાયેલ હોઈ બંદોબસ્તના અભાવે કામગીરી મોકુફ રાખવામાં આવી હોવાનું સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળેલ છે.આ અંગે નલીયા મામલતદારશ્રી પુજારાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ૭ પી.એસ.આઈ. સહિતના પોલીસ કાફલાનો બંદોબસ્ત માંગવામાં આવેલ હતો પરંતુ હાલ પોલીસ ખાતા દ્વારા મેળા અને અન્ય બંદોબસ્ત માટે પોલીસના અધિકારી અને કર્મચારીઓ અન્ય જગ્યાએ વ્યસ્ત હોઈ પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ બન્યા બાદ દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવશે. આમ હવે ક્યારે પોલીસ બંદોબસ્ત મળશે અને ગૌચર દબાણ દુર કરાશે તેના પર અબડાસાના જીવદયાપ્રેમીઓની મીટ મંડાઈ છે.