પોલીસ જવાનોના દિક્ષાંત સમારોહમાં નિષ્ઠા પૂર્વક ફરજ બજાવવા આઈ.જી.ની અપીલ

૧પ૧ પોલીસ જવાનોએ તાલીમ પૂર્ણ કરતાં અપાયા પ્રમાણપત્રો

ભુજ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પોલીસ દળમાં ભરતી થયેલા ૧પ૧ લોકરક્ષકોની ભુજ ખાતે તાલીમ યોજાઈ હતી. તાલીમના અંતે આજે દિક્ષાંત સમારોહમાં કચ્છ બોર્ડર રેન્જના આઈ.જી.પી. પિયુષ પટેલ દ્વારા તાલીમાર્થીઓને સન્માનિત કરાયા હતા. તેમજ તેઓને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાની શીખ આઈ.જી.એ આપી હતી.
ભુજના પોલીસ હેડ કવાર્ટર ખાતે લોક રક્ષકોની તાલીમ યોજાઈ હતી. ૧પ૧ પોલીસ જવાનોને છેલ્લા ૮ માસથી તાલીમ અપાતી હતી. જે આજે પૂર્ણ થતા કચ્છ બોર્ડર રેન્જના આઈ.જી.પી. પિયુષ પટેલની અધ્યક્ષતામાં દિક્ષાંત પરેડ યોજાઈ હતી. તાલીમાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ યોજીને સલામી અપાઈ હતી. આ પ્રસંગે કચ્છ બોર્ડર રેન્જના આઈ.જી.પી. પિયુષ પટેલ દ્વારા અપાયેલ દિક્ષાંત પ્રવચનમાં તાલીમાર્થીઓને સંપૂર્ણ પ્રમાણિકતા અને નિષ્ઠાથી ફરજ બજાવવા શીખ આપી હતી. સાથે સૌ જવાનોને લોકોની રક્ષા કરવાનું સદ્દભાગ્ય મળ્યું છે ત્યારે લોક રક્ષા કરવા હિમંત અને ખંત પૂર્વક કામગીરી બજાવવા સુચન કરાયું હતું. આ પ્રસંગે આઉટ ડોર તાલીમ, લો અને ફાયરીંગની તાલીમમાં સારૂ પ્રદર્શન કરનાર ૧થી ૩ લોક રક્ષકોને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. તો તાલીમ આપનાર પ્રશિક્ષકોનું પણ સન્માનિત કરાયા હતા.
દિક્ષાંત સમારોહમાં આઈ.જી.પી. પિયુષ પટેલ, પૂર્વ કચ્છ એસ.પી. ભાવનાબેન પટેલ, પશ્ચિમ કચ્છ એસ.પી. એમ.એસ. ભરાડા, ડીવાયએસપી. એન.વી. પટેલ, હેડ કવાટરના હેડમન જે.કે. જયશ્વાલ, જિલ્લા મુખ્ય સરકારી વકિલ કે.સી. ગોસ્વામી સહિતના પોલીસ અધિકારી – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.