પોઝિટીવ કોરોનાની ‘નેગેટીવ’ ચાલઃ કચ્છમાં ચિંતા અને ચિતામાં વધારો

કોરોનાના કાળા કહેર પગલે હોસ્પિટલોમાં હાઉસફૂલના પાટિયા દિવસેને દિવસે સંક્રમણના વધુ થઈ રહેલા ફેલાવાથી છેવાડાના વિસ્તારો સુધી પણ પ્રસરી ચિંતા

(બ્યુરો દ્વારા)ભુજ : વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર રાજ્યના અન્ય વિસ્તારોની સાથો સાથ કચ્છ માટે પણ ઘાતક સાબિત થઈ રહી હોઈ પોઝિટીવ દર્દીઓની વધી રહેલી સંખ્યાની સાથો સાથ મૃત્યુઆંકમાં ઉછાળો આવી રહ્યો હોઈ લોકો જાય તો જાય કહાં જેવી દારૂણ સ્થિતિમાં મુકાઈ ગયા છે. શહેરોની સાથો સાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો પંજો સતત વિકરાળ બનતો જઈ રહ્યો હોઈ દરરોજ પોઝિટીવ કેસનો આંક નવા નવા વિક્રમો સર્જી રહ્યો છે. કચ્છમાં પોઝિટીવ કોરોનાની નેગેટીવ ચાલથી ચિંતા અને ચિતામાં વધારો થયો છે.આ અંગેની વિગતો મુજબ વૈશ્વિક મહામારી કોરોનાનો અજગર ભરડો કચ્છ પર સતત મજબૂત બનતો જઈ રહ્યો છે. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું હોઈ હોસ્પિટલોમાં હાઉસફૂલ સમાન સ્થિતિ જોવા મળી રહી છે. ન માત્ર આરોગ્ય પરંતુ વહિવટીતંત્રની સાથો પ્રજાકીય પ્રતિનિધિઓ પણ સતત બેઠકો યોજી લોકોને જાગૃત કરવાની સાથોસાથ કોવિડ સબંધી સેવાઓનો વ્યાપ પણ વિસ્તારી રહ્યા છે. જિલ્લામાં સંક્રમણ બેકાબૂ બન્યુું હોઈ મૃત્યુ આંકમાં પણ ઉછાળો આવી રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૬,ર૪૯ કેસ નોંધાઈ ચુકયા છે, જેમાંથી વર્તમાને ૯પ૭ એક્ટિવ પોઝિટીવ કેસ છે. પ૧૮૦ દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. તો ૧ર૦ લોકોને કોરોના ભરખી ગયો છે.