પૈસા ફેંક તમાસા દેખ : નિખિલ દોંગા કેસમાં સંડોવાયેલા પાલારા અને આરોગ્ય તંત્ર સામેની તપાસ સમેટાઈ

જે તે સમયે પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા : નિખિલને સારવાર માટે હોસ્પિટલ જવાની અવાર નવાર મંજૂરી આપતા તબીબની રાવ ગાંધીનગર પહોંચી અને તપાસમાં વળી ગયું ફિંડલું

ભુજ : ગુજસીટોકના કાયદા અંતર્ગત જેની સામે ફોજદારી ફરિયાદ દાખલ થઈ હતી, તે ગોંડલનો કુખ્યાત ગુંડો નિખિલ દોંગ ભુજની પાલારા જેલમાં સજા કાપતો હતો, પરંતુ તે ગુંડો હોઈ પૈસાના જોરે સરકારી અધિકારી – કર્મચારીઓને ફોડી લીધા હતા. પાલારા જેલમાં સજા કાપતો નિખિલ પૈસાના જોરે એસો આરામની જીદંગી જીવતો, જયારે બહાર જવું હોય ત્યારે મેડિકલના કારણો આગળ ધરી નિખિલ બહારની દુનિયા માણી શકતો હતો. જેથી જ તેણે બિમારીનું કારણ આગળ ધરી મેડિકલ લીવ મેળવી હોસ્પિટલમાં દાખલ થયો હતો. જે બાદ ફરાર થવાનો પ્લાન ઘડ્યો હતો.
નિખિલ દોંગાના ફરાર થવાના કેસમાં પોલીસની મિલિભગત સામે આવતા પીએસઆઈ સહિત ૪ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા. પરંતુ આ કેસમાં જી.કે.ના તબીબ તેમજ અન્ય સ્ટાફની સંડોવણીની ચર્ચા હોવા છતાં કોઈ પગલાં અત્યાર સુધી ભરાયા નથી. નિખિલને પાલારા જેલમાંથી જી.કે. જવા માટે એક ડોકટરે રૂપિયાનો વહિવટ કરી મંજૂરી આપી હતી. તો જી.કે.માં પણ હોસ્પિટલનું નહીં પરંતુ બહારથી ભાવતું ભોજન આપવા માટે જી.કે.ના સ્ટાફને ફોડી લેવાયો હતો. રાજકોટથી આવેલા નિખિલના મિત્રોએ એવી ગોઠવણ કરી કે પાલારા જેલમાંથી નિખિલ બહાર આવ્યો, જી.કે.માં દાખલ થયો અને અહીંથી ફરાર થઈ નૈનિતાલ પહોંચી ગયો. જે તે સમયે પોલીસે ખુદના કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા પરંતુ હોસ્પિટલના ઉચ્ચ મેડિકલ અધિકારી સામે પગલાં લેવા માટે પોતાની પાસે પાવર ન હોવાથી ગાંધીનગર આરોગ્ય વિભાગમાં નામ જોગ અહેવાલ મોકલાવ્યો હતો. તેમ છતાં ગાંધીનગરથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને અંતે તપાસનું ફિંડલું વાળી દેવાયું છે. પોલીસ પર માછલા ધોવાયા તો પાલારા અને જી.કે.ના ડોકટર પર કેમ તપાસ ન થઈ તે સવાલ ઉઠવા પામ્યો છે. પૈસાના જોરે આ ખેલ ખેલાયો છે.