પેશાવરમાં આત્મઘાતી હુમલો : ૨૦ના મોત

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના પેશાવરમાં મંગળવારે મોડી રાતે એક આત્મઘાતી હુમલાખોરે ચૂંટણીરેલીને નિશાનો બનાવી. ધમાકામાં ૨૦ લોકોનાં મોત થઇ ગયાં. ૫૦થી વધુ લોકો ઘાયલ છે. માર્યા ગયેલા લોકોમાં એક અવામી નેશનલ પાર્ટી ના નેતા હારૂન બિલૌર પણ સામેલ છે. બિલૌર પેશાવર શહેરના પીકે-૭૮ સીટથી ઉમેદવાર હતા. તેઓ અહીંયા બીજા નેતાઓ સાથે મુલાકાત માટે રોકાયા હતા. જેવા તેઓ સ્ટેજ પર પહોંચ્યા, તો હુમલાખોરે જાતને ઉડાવી દીધી. બિલૌરને ખાસી ઇજા થઇ. તેમને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.બોમ્બ ડિફ્યુઝ કરતા ગ્રુપના પ્રમુખ શૌકત મલિકે કહ્યું કે ઘટનામાં લગભગ ૮ કિલો ડાયનામાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાહત અને બચાવકાર્ય માટે ઘણી ટીમો સ્થળ પર પહોંચી છે. સુરક્ષા એજન્સીઓ મામલાની તપાસ કરી રહી છે. ૨૫ જુલાઈએ થનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા પાકિસ્તાનમાં આ બીજો મોટો આતંકી હુમલો છે. આ મહિનાની શરૂઆતમાં પણ ખૈબર પખ્તૂનખ્વા રાજ્યના એક ધમાકામાં ૭ લોકો ઘાયલ થયા હતા. તેમાં મુત્તાહિદા મજલિસ-એ-અમલ પાર્ટીનો એક ઉમેદવાર પણ સામેલ હતો.