(જી.એન.એસ)બલ્ગેરિયા,ફ્રાન્સની રાજધાની પેરિસથી નવી દિલ્હી આવી રહેલા એર ફ્રાન્સના પ્લેનમાં ભારતીય પેસેન્જરના હંગામાને કારણે બલ્ગેરિયાના સોફિયા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ પેસેન્જરે ક્રૂ-મેબર સાથે અન્ય પ્રવાસી પર પણ હુમલો કર્યો હતો.રિપોર્ટ મુજબ, પેરિસથી ઉડાન ભરતાંની સાથે જ ભારતીય પેસેન્જરે પ્લેનમાં અન્ય મુસાફરો સાથે ઝઘડો કરવાનો શરૂ કરી દીધો હતો. પ્લેનના કર્મચારીએ આ પેસેન્જરને સમજાવવાની કોશિશ કરી, પણ એ શાંત થવાને બદલે ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને જોર જોરથી બૂમો પાડવા લાગ્યો હતો અને પ્લેનમાં પોતાના હાથ પછાડવા લાગ્યો હતો.
આ પેસેન્જરે કોકપીટને પણ જોરજોરથી ખખડાવવાનું શરૂ કરી દીધું હતું. આ પેસેન્જરે પ્લેનની અંદર ડરામણો માહોલ બનાવી દીધો હતો. આ કારણે ફ્લાઈટ કમાન્ડરને બલ્ગેરિયાના સોફિયા એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું.એર ફ્રાન્સની ફ્લાઈટમાં હંગામો કરનાર ભારતીયના નામનો ખુલાસો થયો નથી. ઈમર્જન્સી લેન્ડિંગ પછી આ પેસેન્જરની અટકાયત કરાઈ હતી. જો તેનો આરોપ સાબિત થશે તો તેને ૧૦ વર્ષની સજા થઈ શકે છે. તપાસ એજન્સી તપાસ કરી રહી છે કે ભૂલ કોની હતી. આ પેસેન્જરને બલ્ગેરિયામાં ઉતારીને ફ્લાઈટને દિલ્હી રવાના કરાઈ હતી.