પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનારી અવનિ લેખરા પ્રથમ ભારતીય મહિલા

(જી,એન,એસ), ટોક્યો, વર્તમાન ટોક્યો પેરાલિમ્પિકમાં પહેલાં ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલી શૂટર અવનિ લેખરાએ શુક્રવારે ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાનો બીજો મેડલ જીત્યો હતો. જયપુરની ૧૯ વર્ષીય અવનિ એક જ પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઇ છે. આ પહેલાં જોગિન્દરસિંહ સોઢીએ ૧૯૮૪ની પેરાલિમ્પિકમાં ત્રણ મેડલ જીતનાર પ્રથમ ભારતીય તરીકેની સિદ્ધિ મેળવી હતી. ભારતને શુક્રવારે પ્રથમ મેડલ પ્રવીણકુમારે અપાવ્યો હતો. તેણે મેન્સ હાઇજમ્પ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ૧૮ વર્ષીય પ્રવીણે પેરાલિમ્પિકમાં પદાર્પણ કરીને ૨.૦૭ મીટરના જમ્પ સાથે એશિયન રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. આ સાથે તે વર્તમાન ભારતીય એથ્લેટ્‌સની ટુકડીમાં મેડલ જીતનાર યંગેસ્ટ વિજેતા પણ બન્યો છે. ભારતીય મેન્સ તીરંદાજ હરવિન્દરસિંહે વ્યક્તિગત રિકર્વ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે કોરિયાના કિમ મિન સૂને ૬-૫ના સ્કોરથી હરાવ્યો હતો. ૩૧ વર્ષીય હરવિન્દર પેરાલિમ્પિકના ઔઇતિહાસની તીરંદાજીમાં મેડલ જીતનાર પ્રથમ તીરંદાજ બની ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ મેડલ વિજેતાઓને અભિનંદન આપીને જણાવ્યું હતું કે આ મેડલ તેમની આકરી મહેનત તથા રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. ટોક્યો પેરાલિમ્પિકમાં બે દિવસ મેડલવિહોણા રહ્યા બાદ ભારતે શુક્રવારે ત્રણ મેડલ્સ જીત્યા હતા અને આ સાથે વર્તમાન પેરાલિમ્પિકમાં ભારતના મેડલ્સની સંખ્યા વિક્રમી ૧૩ સુધી પહોંચી ગઇ હતી. ૧૯૬૮માં પ્રથમ વખત પેરાલિમ્પિકમાં ભાગ લેનાર ભારતે વર્તમાન ગેમ્સ પહેાલાં અત્યાર સુધીમાં કુલ ૧૨ મેડલ્સ જીત્યા હતા અને હવે એક જ ગેમ્સમાં ૧૩ મેડલ્સ જીતીને ઇતિહાસ રચ્યો હતો.