પેપર લિકમાં પરીક્ષા કેન્દ્રના સંચાલક સહિત નવની ધરપકડ

પેપર વોટ્‌સએપ પર કોચિંગ સેન્ટરમાં પહોંચાડાયું જ્યાં શિક્ષકે ૨૦૦માંથી ૧૭૨ જવાબ લખીને પાછા મોકલ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)જયપુર,ધો.૧૨ પછી મેડિકલમાં પ્રવેશ માટે જરુરી નીટ પરીક્ષા રવિવારે લેવાઈ હતી અ્‌ને તેમાં ૧૬ લાખ વિદ્યાર્થીઓએ આખા દેશમાં પરીક્ષા આપી હતી. જોકે જયપુરમાં નીટનુ પેપર લીક થયુ હોવાનો ઘટસ્ફોટ જયપુર પોલીસે કર્યો છે. આ મામલામાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જયપુર પોલીસે એક પરીક્ષા કેન્દ્ર પર પેપર લીક થયુ હોવાનો દાવો કર્યો છે. પોલીસના કહેવા પ્રમાણે બપોરે બે વાગ્યે પરીક્ષા શરૂ થયા બાદ પેપર ઓપન કરવામાં આવ્યા હતા. પેપરનો ફોટો પાડીને વોટસએપ થકી એક કોચિંગ સેન્ટર પર મોકલવામાં આવ્યુ હતુ. ત્યાં હાજર એક શિક્ષકે ૨૦૦માંથી ૧૭૨ પ્રશ્નોના જવાબ લખીને સાંજે સાડા ચાર વાગ્યા સુધીમાં પરીક્ષા સેન્ટર પર પાછા મોકલી આપ્યા હતા. એક વિદ્યાર્થિનીએ આ જવાબો પોતાની આન્સરશીટમાં ઉતારી દીધા હતા. પોલીસે જે મોબાઈલથી ફોટો પાડીને મોકલવામાં આવ્યો હતો તે મોબાઈલ પણ કબ્જે કરી લીધો છે. વિદ્યાર્થિનીને મોકલવામાં આવેલા જવાબોની કોપી અને દસ લાખ રૂપિયા પણ પોલીસે જપ્ત કર્યા છે. પોલીસના કહેવા પ્રમાણે વિદ્યાર્થિનીને પાસ કરવા માટે ૩૫ લાખ રૂપિયામાં સોદો થયો હતો. અડધા પરીક્ષા પૈસા પહેલા લેવાયા હતા. પોલીસે પરીક્ષા કેન્દ્રના સંચાલક મુકેશ સામોતા અને સુપરવાઈઝ રામ સિંહની ધરપકડ કરી છે. પોલીસે સાથે સાથે એવા ૬ વિદ્યાર્થીઓની પણ અલગ અલગ કેન્દ્રો પરથી ધરપકડ કરી છે જે બીજા વિદ્યાર્થીઓની જગ્યાએ નીટની પરીક્ષા આપી રહ્યા હતા. આ રેકેટનો સુત્રધાર રાજન રાજગુરૂ છે. જે રાજસ્થાન સરકારમાં મેડિકલ ઓફિસર છે. રાજન રાજગુરૂ નબળા વિદ્યાર્થીઓ પાસેથી વિદ્યાર્થી દીઠ ૨૫ લાખ રૂપિયા લઈને તેમની જગ્યાએ બીજા વિદ્યાર્થીઓને બેસાડીને પરીક્ષા અપાવતો હતો. આવી રીતે પકડાયેલા ૬ વિદ્યાર્થીઓમાં બે ગર્લ્સ પણ છે. રાજન રાજગુરૂએ આ રીતે બે વર્ષ પહેલા એક વિદ્યાર્થિનીને પરીક્ષા પાસ કરાવી દીધી હતી અને તેને મેડિકલ કોલેજમાં એડમિશન પણ મળી ગયુ હતુ. જોકે ભણવામાં નબળી વિદ્યાર્થિની એમબીબીએસનુ પહેલુ વર્ષ પણ પાસ કરી શકી નહોતી અને તેણે છેવટે એમબીબીએસ છોડી દીધુ હતુ.