પેન્શન નથી મળ્યું ? જિલ્લા તિજોેરી કચેરીનો સંપર્ક સાધવા પેન્શનરોને અનુરોધ

ભુજ : દરેક પેન્શનરોએ તેમની હયાતિની ખરાઇ દર વર્ષે મે માસમાં અને જો ચૂકી જવાય તો જુલાઇ માસ સુધી તેમની બેંકમાં કરાવવાની રહે છે. આ ઉપરાંત દર વર્ષે તિજોેરી કચેરી તરફથી હયાતિની ખરાઇ કરવા અંગેની જાણ અખબારી યાદીથી કરવામાં આવે છે, તેમ છતાં જો કોઇ પેન્શનરો તેમની હયાતિની ખરાઇ કરાવી ન શકે તો તેમનું પેન્શન ઓગષ્ટ માસથી બંધ કરવાનું રહે છે અને તે મુજબ આ વખતે પણ જે પેન્શનરોની હયાતિની ખરાઇ, પુનઃલગ્ન ન કર્યા અંગેનું પ્રમાણપત્ર સામેલ ન હોય તેવા પેન્શનરોના પેન્શન બંધ કરવામાં આવ્યા છે. રાજય સરકારની સ્થાપિત નીતિ મુજબ પેન્શનરોને તેમની હયાતિની ખરાઇ માટે તમામ તકો આપવામાં આવી છે. જે પેન્શનરોએ તેમની હયાતિની ખરાઇ ઓગષ્ટમાં પેન્શન બિલ બને તે પહેલા કરાવી હતી, તેઓના પેન્શન પણ જમા થઇ ચૂકયા છે. પેન્શન બિલ બન્યા પછી જેમની ખરાઇ થઈ છે તેઓ માટે અત્રેથી દર વર્ષે પુરવણી બિલ બનાવવામાં આવે છે. આમ એવા પેન્શનરો કે જે હયાતિની ખરાઇ કરાવી શકયા નથી તેને શકય તેટલી ઓછી હાલાકી થાય તેવું કચેરીનું આયોજન હોય છે. પેન્શનરોને જે કોઇપણ મુશ્કેલી હોય તેઓએ જિલ્લા તિજોરી કચેરીના જવાબદાર અધિકારીનો સંપર્ક કરવા જણાવાયું છે.