પેટ્રોલ-ડિઝલ મોંઘા તથા સીએનજી તરફ લોકોનો જોક વધ્યો, જો કે પંપનો અભાવ

ભુજ શહેરમાં ત્રણ લાખની વસ્તી સામે માત્ર એક જ પંપની સુવિધા : મોટા ભાગના લોકો રીક્ષા, ફોર વ્હીલરમાં સીએનજી કીટ નખાવવા ઈચ્છે છે પરંતુ પંપના અભાવે વિચાર માંડી વળાયો : આખાય કચ્છમાં પણ માત્ર ગણ્યાગાંઠ્યા સીએનજી પંપ હોવાથી વાહન ચાલકોને નાછૂટકે મોંઘા પેટ્રોલ – ડિઝલનો ધુમાડો કરવો પડે છે

(બ્યુરો દ્વારા)ભુજ : કેન્દ્રમાં જયારથી મોદી સરકાર આવી છે ત્યારથી મોંઘવારી ઘટવાના બદલે દિન પ્રતિદિન વધી રહી છે. કોવિડના આ સમયગાળામાં સરકાર લોકોને રાહત આપવાના બદલે ખીસ્સા ખંખેરવાનું કામ કરી સરકારની તિજોરી ભરી રહી છે. પેટ્રોલ – ડિઝલ પર સરકારનો વેરો ઘટાડવા અનેક વખત રજુઆત છતા સરકાર પોતાનો વેરો લાદી લોકો પાસેથી રૂપિયા ખંખેરે છે. કોવિડના સમયમાં સરકારે જેટલો ખર્ચ કર્યો તેની વસુલાત પેટ્રોલ – ડિઝલના ભાવ વધારીને કરાઈ રહી છે, તેવું રોષભેર લોકો કહી રહ્યા છે. હાલમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ૧૦૦ રૂપિયાની નજીક પહોંચી ગયા છે, ત્યારે લોકો સીએનજી તરફ વળી રહ્યા છે, પરંતુ કચ્છમાં પંપોના અભાવે લોકોને એ જ મોંઘા પેટ્રોલ – ડિઝલ પુરાવાનો વારો આવ્યો છે.આ અંગેની વિગતો મુજબ હાલમાં દ્વિચક્રી અને ફોર વ્હીલર વાહનોનું ચલણ વધી ગયું છે. આજે ઘરે ઘરે વાહનો જોવા મળે છે. કોવિડના સમયગાળામાં પરિવહન સેવા બંધ થતા લોકો હવે પરિવહન માટે જાહેર સેવાના બદલે પોતાના વાહનોનું વધારે ઉપયોગ કરે છે. જેથી માર્ગો પર પહેલાની સરખામણીએ વાહનોની અવર જવર વધી ગઈ છે. કોવિડની સ્થિતિ પહેલા પેટ્રોલના ભાવ ૬પ થી ૭૦ ની આસપાસ હતા, જો કે હાલમાં વપરાશ વધ્યો હોવાથી ભાવ ઘટવાના બદલે દરરોજ વધી રહ્યા છે. પાછલા દોઢ વર્ષના સમયગાળામાં પેટ્રોલ – ડિઝલના ભાવ રપ થી ૩૦ રૂપિયા વધી ગયા છે. સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલના વાહનોથી થતા પ્રદુષણ નિવારવા સીએનજીનો વિકલ્પ અપાયો હતો.મોટા શહેરોમાં સીએનજી પરિવહન સફળ પણ થયું છે તેમજ પેટ્રોલ – ડિઝલની તુલનાએ સીએનજી ઘણું સસ્તું પડે છે. જેથી વાહન ચાલકોને તે પોષાય છે. મોટા ભાગના વાહન ચાલકોએ પોતાની ગાડીમાં સીએનજી કીટ નખાવી દીધી છે. આ લોકો જ્યારે કચ્છમાં આવે ત્યારે સીએનજી પુરાવવા માટે હાલાકીનો સામનો કરતા હોય છે. કારણ કે, કચ્છમાં માત્ર ગણ્યા ગાંઠ્યા જ સીએનજી પંપો ઉપલબ્ધ છે. ભુજ શહેરની વાત કરીએ તો શહેરમાં અંદાજે ત્રણેક લાખની વસ્તી સામે માત્ર એક જ સીએનજી પંપ કાર્યરત છે. જયાં પણ ગેસ પુરાવવો હોય તો વાહનોની રીતસરની કતારો લાગે છે. હાઈવે પર માધાપર – ભુજોડી રોડ પર એક માત્ર પંપ છે. તો અન્ય વિસ્તારોમાં કયાંય પંપ નથી. પેટ્રોલ – ડિઝલના વધેલા ભાવ જોઈ લોકો પોતાના વાહનમાં સીએનજી કીટ નખાવવા વિચાર કરે છે પરંતુ કચ્છમાં પંપોનો અભાવ હોવાથી આ વિચારને માંડી વાળે છે. જેથી નાછૂટકે પેટ્રોલ – ડિઝલના તગડા દામ ચુકવી વાહન ચાલકો પોતાનું વાહન હંકારી રહ્યા છે.