પેટાચૂંટણીના પરીણામોથી ભાજપ ખફા : મોદી યોજશે પાઠશાળા

ગોરખપુર-ફુલપુર લોકસભાની બેઠકોની કારમી હાર બાદ આગામી શુક્વારે બીજેપી યોજશે સૌથી મોટી મીટીંગ

નવી દિલ્હી : ગોરખપુર અને ફૂલપુરની લોકસભા પેટા ચૂંટણી હાર્યા બાદ ભાજપની સૌથી મોટી બેઠક શુક્રવારના રોજ યોજાવા જઇ રહી છે. દીનદયાળ ઉપાધ્યાય માર્ગ સ્થિત નવી ઓફિસમાં બોલાવામાં આવેલ સંસદીય દળની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે તમામને હાજર રહેવાનું કહ્યું છે. પીએમ મોદી ખુદ આ મીટિંગની અધ્યક્ષતા કરશે અને આ દરમ્યાન તેઓ મંત્રીઓને લોકોની વચ્ચે જઇ કામ કરવાની અને સરકારની યોજનાઓની માહિતી આપવાનું કહી શકે છે.સામાન્ય રીતે ગૃહ ચાલતું હોય તે દરમ્યાન પાર્ટીની સંસદીય દળની મીટિંગ દર મંગળવારના રોજ સંસદમાં હોય છે. પરંતુ આ બેઠક ખાસ અગત્યની મનાઇ રહી છે કારણ કે તેમાં આગામી વિધાનસભા ચૂંટણી સહિત ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પર પણ ચર્ચા થઇ શકે છે. પાર્ટીની તરફથી તમામ મંત્રીઓને સ્પષ્ટ સંદેશ અપાયો છે કે મીટિંગમાં તેમની હાજરી જરૂરી છે. આ મીટિંગની અધ્યક્ષતા પીએમ મોદી કરશે અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પણ હાજર હશે.
ફૂલપુર અને ગોરખપુર લોકસભા પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ આ પહેલી મીટિંગ છે. આ હારથી ભાજપને જોરદાર ઝાટકો લાગ્યો છે. જે યુપીમાં યોગી સરકારના એક વર્ષ પૂરા થવા પર જશ્ન મનાવાની તૈયારી કરી રહ્યાં હતા. એક ટીવી કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે પેટાચૂંટણીમાં હારના કારણોની સમીક્ષા કરાશે.
ભાજપના સૂત્રોએ કહ્યું કે આ દરમ્યાન પીએમ મોદી સાંસદો અને મંત્રીઓ પાસેથી દેશની રાજકીય સ્થિતિ પર ફીડબેક લઇ શકે છે. આ મીટિંગ એવા સમયમાં થઇ રહી છે જ્યારે બજેટ સેશનનો બીજો તબક્કો સતત હંગામાના લીધે બાધિત છે. ૫ માર્ચથી શરૂ થયેલ આ સત્રમાં લગભગ દરરોજ લોકસભા અને રાજ્યસભાને સ્થગિત કરવી પડી રહી છે. જોકે સરકારે નાણાંકીય બિલ સહિત અનેક કેટલાંય અગત્યના બિલોને ચર્ચા વગર પાસ કરાવી લીધા છે.