પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે પોલીસ સ્ટેશનમાં કરેલ મારામારીનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો

(જી.એન.એસ.)ગોંડલ,ગોંડલના કૉંગ્રેસી આગેવાને પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરી હતી. જે મામલે સીટી પોલીસે ઢીલી નીતિ રાખતા તેઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ બનાવના પગલે શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગોંડલ શહેર કૉંગ્રેસ પ્રમુખ અને આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ આશિષ રસીકલાલ કુંજડીયાએ તા.૦૧-૦૪-૨૦૨૧ના રોજ ગોંડલમાં થઈ રહેલા બાંઘકામને લગતી વિગતો આરટીઆઇ અરજી કરીને ગોંડલ નગરપાલિકા પાસેથી માંગી હતી.બનાવના પગલે આશિષ કુંજડીયા અને ચીફ ઓફિસર વચ્ચે તણખા ઝરતા મામલો સીટી પોલીસ મથકે પહોંચ્યો હતો. ચીફ ઓફિસરે આશિષ કુંજડીયા વિરુદ્ધ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંઘાવી હતી. બાદમાં એક્ટિવિસ્ટની ધરપકડ થયા પછી જયરાજસિંહ જાડેજા અને તેમના સાગરીત લખમણ હીરપરા પોલીસ સ્ટેશનમાં ધસી આવીને આર.ટી.આઇ એક્ટિવિસ્ટને ફડાકો મારી, ગાળો આપી આર.ટી.આઇ.ની માહિતી નહીં મળે તેવું કહીને આ બાબતે જો અપીલમાં જશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સમગ્ર મામલો ગોંડલ સીટી પોલીસ સ્ટેશનની અંદર પોલીસ અધીકારીઓની સામે બન્યો હતો. જયરાજસિંહ જાડેજાએ ફિલ્મી સ્ટાઇલથી પોલીસ સ્ટેશનની અંદર સીનસપાટા કર્યાં હતા ત્યારે પોલીસ અધિકારીઓ મૂકપ્રેક્ષક બન્યા હતા.આ મામલે આર.ટી.આઇ. એક્ટિવિસ્ટે જયરાજસિંહ જાડેજા અને તેમના સાગરીત વિરુદ્ધ ગોંડલ સીટી પોલીસને આઇ.પી.સી.ની કલમ ૫૦૪,૫૦૬(૨),૩૨૩,૧૨૦(બી) વગેરે મુજબની ફરીયાદ આપી હતી.