કંડલાથી ભચાઉ હાઈવે પટ્ટામાં તેલચોર બેફામ

પડાણા સહિતના પટ્ટામાં અન્ડરગ્રાઉન્ડ ટાંકા ચોરાઉ જથ્થા માટે બનાવાયાની ચકચાર : અગાઉ પણ ચીરઈ પટ્ટામાં અન્ડરગ્રાઉન્ડ ટાંકાઓમાં સંગ્રહાયેલ તેલના જથ્થા પર સીઆઈડી ક્રાઈમે ત્રાટકીને પાર પાડયુ હતુ મોટુ ઓપરેશન : જે-તે વખતે તેલનો જથ્થો સીઆઈડી એ પકડતા સ્થાનિક ખાખીધારીઓએ ચીરઈ-વરસાણાની હદનો વિવાદ ઉભો કરી એકબીજા પર ખો ખો રમી અને બચાવના અજમાવવા પડયા હતા કીમીયા

કંડલાથી આવતા ઓઈલ-કેમીકલના ટેન્કરોના ડ્રાયવરોને ફોડીલઈને અથવા તો ધાકધમકી કરીને હાઈવે પર તેલચોરીનો ધીકતો ધંધોઃ તેલચોરીના સંગ્રહ માટે પાંચથી વધુ પોઈન્ટ ખડકાયા : ખાખીની જાણ બહાર ટેન્કરોમાથી બેરોકટોક ચોરીની ઘટનાને અંજામ આપી જ ન શકાયઃ જાણકારોનો ઈશારો

ગાંધીધામ :દેશના મહાબંદર પૈકીના એક એવા કંડલા પોર્ટ પર આવતા કેમીકલ-ઓઈલ-તેલના જથ્થાને ટેન્કરવાટે દેશના જુદા જુદા રાજયોમાં પહોચાડવામા આવે છે. આ ટેન્કરોમાથી ગાંધીધામથી લઈ અને ભચાઉ હાઈવે પટ્ટામાં બેફામ બનીને તેલચોર તત્વો તસ્કરી કરી રહ્યા હોવાની ચર્ચા સામે આવી રહી છે. ટેન્કરડ્રાયવરને કેટલાક કિસ્સામાં ફોડી લેવામા આવે છે અને જે ફુટતા નથી તેમને ધાક ધમકીઓ અને ડારા ડફારા કરવામા આવે છે અને ટેન્કરમાથી રીતસરનો કિમંતી કેમીકલ અને તેલનો જથ્થો ચોરી લેવામા આવી રહ્યો છે.જાણકારો દ્વારા કહેવાય છે કે, ચોરાઉ તેલનો જથ્થો સંગ્રહવા માટે ગાંધીધામ-ભચાઉ અને પડાણા સહિતના પટ્ટામાં અન્ડરગ્રાઉન્ડ ટાંકાઓ પણ બનાવવામાં આવ્યા છે. તેલચોરો જેટલુ તેલ કાઢે ટેન્કરમાથી તેની સામે અન્ય વજનદાર વસતુઓ પણ મુકી દેતા હોય છે જેથી વજનકાંટા પર તેલની ઘટ્ટની વાત ખુલી ન જાય.આ તબક્કે જાણકારો દ્વારા અહી સવાલ ઉઠાવવાની સાથે જ પૂર્વ કચ્છ પોલીસતંત્રને માટે પણ લાલબત્તીરૂપ સંકેત ધરવામા આવી રહ્યા છે કે, આવી રીતે આયોજનબદ્ધ સતત તેલચોરી ટેન્કરમાથી કરવામા આવી રહી છે અને સબંધિત સ્થાનિક ખાખીધારીઓ અજાણ હેાય તે કેમ બની શકે?અહી એ પણ યાદ અપાવાય છે કે, આજ રીતે થોડા સમય પહેલા ચીરઈ પટ્ટામાં અન્ડરગ્રાઉન્ડ ટાંકામાં રખાયેલા કરોડોના ચોરાઉ ઓઈલ પર સીઆઈડી ક્રાઈમની ટુકડી ત્રાટકી હતી અને સ્થાનિક પોલીસનું નાક વઢાઈ ગયુ હતુ તે એટલી હદે કે, વિસ્તારને લઈને પણ તે વખતે ખો ખો રમાઈ ગઈ અને વરસાણા પટ્ટામાં તે ઓઈલ ચોરી થયાનું દર્શાવાયુ હતુ? હવે ફરીથી આ રીતે જ તેલચોરો સક્રીય બન્યા છે ત્યારે ખાખીધારીઓ સતર્ક બને અને આવા તેલચોરોને ઉગતા જ ડામે નહી તો ફરીથી નાક કપાવવાનો વારો આવી જાય તો નવી નવાઈ નહી કહેવાય.