પૂર્વ કચ્છ ડીવાયએસપી કચેરી ખાતે આઈજીપી દ્વારા દ્વિવાર્ષિક ઈન્સ્પેક્શન

ડિવિઝનમાં બનેલા ગુનાઓ અંગે પોલીસ મહાનિરીક્ષક દ્વારા કરાઈ સમીક્ષા : મેઘપર બોરીચીમાં નવું પોલીસ સ્ટેશન બનાવવા અંગેની ચાલતી પ્રક્રિયાની મેળવી વિગતો

ગાંધીધામ : પોલીસ ખાતા દ્વારા શિસ્તબદ્ધ રીતે કામગીરી કરાતી હોય છે. તબક્કાવાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમના તાબા હેઠળના પોલીસ મથકો કે ડિવિઝનોમાં ઈન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી દ્વારા ગાંધીધામ સ્થિત પૂર્વ કચ્છની ડીવાયએસપી કચેરીમાં દ્વિવાર્ષિક ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.આ અંગેની વિગતો મુજબ કચ્છ બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક જે. આર. મોથલિયા દ્વારા પૂર્વ કચ્છ ડીવાયએસપી કચેરીમાં ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ અંગે પૂર્વ કચ્છ ડીવાયએસપી ડી. એસ. વાઘેલા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ડિવિઝન કચેરીઓમાં દર બે વર્ષે રેન્જ આઈજીપી દ્વારા દ્વિવાર્ષિક ઈન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે, જેના ભાગરૂપે મુલ્યાંકન કરાયું હતું. રેન્જ આઈજીપી શ્રીએ પૂર્વ કચ્છ ડીવાયએસપી ડિવિઝનલ કચેરી હેઠળના પોલીસ મથકોમાં બનેલા ગુનાઓની વિગતો મેળવી હતી. તેમજ શોધી કઢાયેલા ગુનાઓની સમીક્ષા કરી હતી. તો પોલીસ દ્વારા જે તે વિસ્તારમાં કરાતી કામગીરી અંગે ચર્ચા – વિચારણા કરાઈ હતી. ડિવિઝન હેઠળ આવતા ગામડાઓમાં સુરક્ષા બાબતે સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત ક્રાઈમ રિવ્યુ લેવામાં આવ્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, અંજારના મેઘપર બોરીચીમાં નવું પોલીસ સ્ટેશન બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે તેની વિગતો પણ આઈજીપી શ્રીએ જાણી હતી. જેમાં મેઘપર બોરીચીમાં નવું પોલીસ સ્ટેશન બનાવવા માટે કલેકટર કચેરીએ જમીન સંપાદન માટેની દરખાસ્ત કરી દેવાઈ છે. જે આગામી સમયમાં મંજૂર થયે જમીન સંપાદિત થઈ ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવું તેમણે ઉમેર્યું હતું.