પૂર્વ કચ્છમાં ૩ દરોડામાં ૧ર હજારના શરાબ સાથે ત્રણ શખ્સો જબ્બે

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં દારૂના જુદા જુદા દરોડામાં ૧ર,પપ૦ના શરાબ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જ્યારે એક શખ્સ હાજર મળ્યો ન હતો. આડેસર, રાપર અને સામખિયાળી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી.આડેસર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન એસ્સાર પેટ્રોલપંપની બાજુમાંથી આરોપી મનજી ઉર્ફે મનીયો માવજી કોલી (ઉ.વ.૩૩) (રહે. ફુલપરા, તા.રાપર)ની ધરપકડ કરાઈ હતી. આરોપીએ પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧પ કિંમત રૂા. પરપ૦ વેંચાણ અર્થે રાખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો. આ તરફ સામખિયાળી પોલીસે શુભમ સોસાયટીના રસ્તા ઉપરથી આરોપી પ્રવીણ રામજીભાઈ કોલી (ઉ.વ.૧૯) (રહે. જમાતખાનાની બાજુમાં, સામખિયાળી)ને ઝડપી પાડયો હતો. આરોપીના કબજામાંથી જુદા જુદા બ્રાન્ડની ભારતીય બનાવટની દારૂની બોટલ નંગ ૧૪ કિંમત રૂા. પ૧૦૦ કબજે કરી હતી. આરોપીની અંગ ઝડતીમાં એક સાદો મોબાઈલ પણ જપ્ત કરાયો હતો. બીજીતરફ રાપર પોલીસે માંજુવાસ કેનાલ નજીકથી બાઈક પર દારૂ લઈને જતા એક શખ્સને ઝડપી પાડયો હતો, જયારે અન્ય એક શખ્સ હાજર મળ્યો ન હતો. રાપર પોલીસે કરેલી કાર્યવાહીમાં હેમુભાઈ પોપટભાઈ કોલી (ઉ.વ.૩૦) (રહે. માંજુવાસ, તા.રાપર)ને ઝડપી પાડી તેના કબજામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના રર નંગ કવાટરીયા કબજે કરાયા હતા. તેમજ બાઈક મળીને કુલ્લ ૧ર,ર૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ઝડપાયેલા આરોપીને અન્ય આરોપી મહેશ માદેવા કોલીએ દારૂનો જથ્થો વેંચાણ અર્થે પુરો પાડયો હતો. આ બીજો આરોપી દરોડા દરમ્યાન હાજર ન મળતા પોલીસે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.