પૂર્વ કચ્છમાં રેલવેના ર૧ તૈયાર કોચનો કોવિદ કેર માટે કેમ નથી કરાતો ઉપયોગ?

  • ઝભ્ભાલેંગાધારીઓ, નવુ ન કરાવી શકો તો કાંઈ નહી, પણ હયાત સુવીધાઓનો તો કરાવો ઉપયોગ..!

અંજાર – ગાંધીધામ અથવા કચ્છમાં આ રેલવે કોચ જે રીતે સગવળભર્યા બને તે રીતે લેવા જોઈએ ઉપયોગમાં : આ બાબતે કેમ કોઈ વિચારતું જ નથી ?

અત્યારે નહિ તો ક્યારે કામ લાગશે આ રેલવે કોચ ?ઃ ભુજ-ગાંધીધામ માટે ગત વર્ષે નિર્માણ કરાયેલા આ કોચમાં ઓક્સિજન, આઈસોલેશન સહિતની સુવિધા ઉપલબ્ધ

દરેક કોચમાં ૧૬ એમ કુલ્લ ૩૩૬ દર્દીઓને રાખવાની ક્ષમતા : નેતાગીરી, પ્રશાસનના સંકલનના અભાવે ધૂળ ખાતી પડી રહી છે તૈયાર વ્યવસ્થા

સાંસદશ્રી કેમ મૌન છે, આ રેલવે કોચ ઉપયોગમાં લેવા માટે કેમ આગળ આવતા નથી?

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં વાગડ-ભચાઉથી માંડી અને ગાંધીધામ-આદિપુરમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. તંત્ર તમામ સક્ષમ પ્રયાસો આદરી રહ્યુ છે તો વળી લોકો પણ સ્વૈચ્છીક બંધ પાડી રહ્યા છે તેમ છતા પણ હવે વૈકુંઠ નાનુ પડી રહ્યુ હોય તેવી રીતે સુવિધાઓ ખુટતી હોવાની ઠેર ઠેરથી બુમરાડ છે. કોવિદ કેરની પથારીઓ ઘટી રહી છે તેવામાં બીજીતરફ એક અણીયાણો સવાલ એ પણ ઉભો થવા પામી રહ્યો છે કે, ગત વખતે કોરોનાની પ્રથમ લહેરમાં રેલવે તંત્ર દ્વારા તાબડતોડ ર૧ જેટલા રેલવેકોચને કોવિદ સેન્ટરથી સુવિધા યુકત બનાવવામાં આવ્યા હતા જે બિનઉપયોગી અવસ્થામાં જ પડયા છે તેનો પૂર્વ કચ્છમાં કોવિદ કેર માટે કેમ ઉપયોગ કરવામાં નથી આવતો? હાલમાં રામબાગ હોસ્પિટલના તમામ બેડ ફુલ છે, લીલાશા કુટીયાના પ૧ બેડ ઓકિસજનવાળા ભરાઈ ગયા છે, ખાનગી હોસ્પિટલોમા હાઉસ ફુલના પાટીયા લાગી ગયા છે, આવા સમયે હકીકતમાં આ રેલવે કોચની સુવિધાઓનો ઉપયોગ કરવામા કેમ નથી આવતા તેવો સવાલ તો થવો જ ઘટે.કોરોના કાળને શરૂ થયાને હવે એક વર્ષથી વધુ થયું અને બીજા તબક્કામાં હાલ જ્યારે દેશભર સાથે કચ્છ જિલ્લો પણ દવાખાનાઓમાં પથારીઓ અને સંશાધનોની ઘટના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ગયા વર્ષે રેલ્વે દ્વારા આવીજ પરિસ્થિતી ઉભી થાય તો તે માટે તૈયાર કરાયેલા ર૧ કોવિડ આઈસોલેશન કોચ દસ મહિનાથી બિનઉપયોગી અવસ્થામાં જ ગાંધીધામ યાર્ડમાં ઉભા છે. આ કપરા કાળમાં જો તે કામ નહિં લાગે, તો ક્યારે લાગશે ? તે યક્ષપ્રશ્ન બની રહ્યો છે.ર૦ર૦માં જ્યારે કોરોના વાઈરસના પ્રકોપના કારણે હોસ્પિટલોમાં બેડ ખુટી પડશે તેવો ભય સરકાર સાથે લોકોને પણ સતાવતો હતો ત્યારે રેલ્વે મંત્રાલયે પોતાના સ્તરેથી વ્યવસ્થાઓ કરી કેટલાક નિરુપયોગી થવાની કગાર પર રહેલા કોચનું ચયન કરીને તેને કોરોના દર્દીઓ માટે ઓઈસોલેશન અને પ્રાથમિક આરોગ્ય કેંદ્રમાં બદલાવાની જાહેરાત કરાઈ હતી. જે અંતર્ગત કચ્છમાં પણ પ્રયાસો હાથ ધરાઈને કોચની મરમત અને જરૂરી બદલાવ લાવી કોવિડ વિશેષ કોચ બનાવાયા હતા. આવા એક કોવિડ આઈસોલેશન કોચમાં ૧૬ દર્દીઓને રાખી શકાય તેમ છે. આખેઆખુ માળખુ તૈયાર થયેલ અવસ્થામાં પડયુ છે તો કેમ તેનો ઉપયોગ કરવામાં નથી આવતો?આ બાબતે ગાંધીધામના એરીયા રેલવે મેનેજર આદિશ પઠાણીયાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ગાંધીધામ યાર્ડમાં ર૧ કોચ કોવિદ કેર આઈસોલેશન સેન્ટર માટે સવલતો સાથે સજજ છે. તેની સાફસફાઈ સહિતની વ્યવસ્થાઓ કરાઈ છે. તંત્ર જયારે પણ કહેશે તે આપવા અમે તૈયાર છીએ. હવે સવાલ એ થાય છે કે, પૂર્વ કચ્છમાં રાજકારણીઓ કોવિદ કેરને લઈને નવી સુવિધઓ તો ઉભી નથી કરી શકતા પરંતુ હયાત સવલતો છે તેનો ઉપયોગ તો કરાવે? તેમા પણ આ રાજકારણીઓ કેમ ઉણા ઉતરી રહ્યા છે?

કોરોનામાં ભાજપ સેવા માટે ખડેપગે છે : કેશુભાઈ પટેલ

ગાંધીધામ : કોરોનાની મહામારીની બીજીલહેર ખુબજ પડકારજનક સ્થિતી સર્જી છે. સરકાર સુચારૂ રીતે દર્દીઓને રાહત અપાવવા અથાગ પ્રયાસો કરી રહી છે. દરમ્યાન ભાજપ સંગઠન પણ કોરોના કાળમાં લોકોની સેવા માટે ખડેપગે જ છે તેમ કહી અને જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે ગાંધીધામ યાર્ડમાં રેલવે કોચમાં કોવિદ સેવા શરૂ થઈ શકવાની સંભાવનાઓ હશે તો તેને આડે આવતી ખુટતી કડીઓ પુરવારની દીશામાં તેઓ વહીવટીતંત્ર તથા સ્થાનિક સેવાભાવીઓને સક્રીય કરવાની દીશામાં સત્વરે તજવીજ હાથ ધરશે તેવી ખાત્રી શ્રી પટેલે ઉચ્ચારી હતી.

ગાંધીધામના બની બેઠેલા રાજકારણીના મોઢે આ વિષય પર કેમ તાણાં..?

શું આ રેલવે કોચમાં કોવિદની સેવા શરૂ થશે તો ગાંધીધામના લોકોને સારવાર નથી મળવાની? શુ તેમના મતદારોને આ સેવા ચાલુ થવાથી રાહત નહી થાય? તો આ બની બેઠેલ રાજકારણી કેમ તેમનાથી થતી વ્યવસ્થાઓ આ કોચ બાબતે કરતા નથી?

ગાંધીધામ : ગત એક વરસથી રેલવેના ર૧ જેટલા કોચ કોવિદની વ્યવસ્થાઓ સાથે તૈયાર પડયા છે, હાલમાં પૂર્વ કચ્છમાં કોવિદના દર્દીઓને પથારીઓ મળતી ન હોવાની ફરીયાદો રોજીંદી બની રહી છે, ત્યારે આ રેલવે કોચનો રચનાત્મક ઉપયોગ કરી શકાય તેમ છે. દરમ્યાન જ ગાંધીધામના બની બેઠેલા રાજકારણીની સામે પણ સવાલો ઉભા થવા પામી રહ્યા છે. આ રેલવે કોચમાં કોવિદ સેવા શરૂ થાય તેને આડે આવતી અધુરાશો પૂર્ણ કરવા ગાંધીધામના બની બેઠેલા રાજકારણી કેમ આગળ નથી આવતા? શુ આ સેવાઓ ચાલુ થાય તો અહીના મતદારોને તેનો લાભ નહી મળે? ચોકકસથી મળશે જ અલબત્ત મોટ રાહત થાય તેમ છે. તો પછી આ રાજકારણીને આવુ કાર્ય કરવાનુ કેમ સુઝતુ નથી?

ચેમ્બર ઓફ કોમર્સ પણ આવા સેવાયજ્ઞોમાં સામે ચાલીને કેમ ન જોડાય…!
ગાંધીધામ : રેલવેયાર્ડમાં ર૧ જેટલા કોચ કોવિદ કેરમાં ફેરવવા માટે આનુસંગીક મોટાભાગની તૈયારીઓથી સજજ છે. રેલવેતંત્ર દ્વારા તેની સાફસફાઈ પણ કરી દેવાઈ છે. છતા હજુય આ કોચને કોવીદ કેરમાં ફેરવવા નાની-મોટી કેટલીક કડીઓ ખુટી રહી હોવાની સ્થિતી છેે તેવામાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ જેવી સદ્ધર-મોટી અને જાગૃત સંસ્થા પણ સામે ચાલીને કેમ મદદ કરવા આગળ નથી આવતુ?

ગાંધીધામ નગરપાલિકાની નવી બોડી આ રેલ કોચમા શૌચાલય સહિતની અધુરાશો દુર ન કરી શકે..?
ગાંધીધામ : રેલવેના ર૧ જેટલા કોવિદ સુવિધા યુકત કોચ પડતર પડયા છે તેનો ઉપયોગ વર્તમાન સમયે કરી શકાય તે માટે કેટલીક અધુરશો નડતરરૂપ બની રહે છે જે પૈકીની કોચમાં શૌચાલયની અછત અને કર્મચારીઓ નિમાય તો તેમના માટે શૌચાલયની વ્યવસ્થાઓનો પ્રશ્ન બની રહ્યો છે. ત્યારે ગાંધીધામ નગરપાલિકાની નવી બોડીને કોરોનાની મહામારીમાં આવી રેલવેકોચ સેવા શરૂ કરવાને માટે નગરપાલિકા શૌચાલય જેવી વ્યવસ્થાઓ કરી આપવાની કેમ તૈયારી નથી દેખાડી શકતુ? નગરપાલિકા પાસે તો આવા શૌચાલયો રહેતા જ હોય છે? નવી બોડીને ગતાગમ હોય તો આવી પહેલ કરેને..!

જિલ્લા પ્રશાસન સાથે ચર્ચા કરી છે,ખુટતી કડીઓ પુરી-ઉપયોગ કરીશું : એમપી

ગાંધીધામઃ રેલવે વિભાગ દ્વારા ગત વરસે તૈયાર કરવામા આવેલા કોચનો આ વખતે પણ ઉપયોગ કરવામાં આવે અને દર્દીઓને રાહત થાય તે દીશામાં આજથી એકાદ સપ્તાહ પહેલા જ કલેકટરશ્રી સાથે રૂબરૂ બેઠક કરી હોવાનુ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યુ હતુ. આ ટ્રેઈનમાં વર્તમાન કોરોનાની સ્થિતીને જોતા કેટલીક અધુરાશો અને તેમા મેનપાવરની ઘટ્ટ પ્રશ્નરૂપ બની રહી છે. એક દર્દી સામે મોટો મેનપાવર જોઈએ, કોચમાં ઓકિસજનવાળા બેડ સાથે એસીની વ્યવસ્થાઓનો અભાવ છે. હાલમાં ઉનાળામાં ખુબજ ગરમી છે. એક કોચમાં ૧૬ દર્દીઓ માટેની વ્યવસ્થાઓ કરાઈ છે તેમાં શૌચાલય એક જ રખાયુ છે. આમ મેનપાવર, ગરમીમાં એસી તથા શૌચાલય સહિતના વીકલ્પો બાબતે પણ તંત્રની સાથે બેઠક યોજી ચર્ચાઓ થઈ છે જેના પર કામ કરાશે તેવી ખાત્રી શ્રી ચાવડાએ આપી હતી. ટ્રેઈનને છાંયડારૂપ કવર કરવાની પ્રાથમિક જરૂરીયાત છે જેની વ્યવસ્થાઓ તેઓ ખુદ કરાવવાની તૈયારી પણ તંત્રને દર્શાવી ચૂકયા હોવાનુ જણાવી અને મેનપાવરની અછત સરકાર તબક્કેથી પૂર્ણ થાય તે માટે તંત્રની ઘટતું કરવાનુ પણ સૂચવ્યુ હોવાનુ શ્રી ચાવડાએ ઉમેર્યુ હતુ.

જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે. અને અંજારના પ્રાંત અધિકારી ડો.જોષી રેલવે કોચની સુવિધઓને કાર્યરત કરવાની દીશામાં વેળાસર કેમ ન કરે વિચાર?

રેલવે કોચમાં આ તમામ સુવિધાઓ છે ઉપલબ્ધ
ગાંધીધામ : આ તમામ કોચમાં દર્દીઓને વેન્ટીલેશન મળે અને મચ્છર કે અન્ય જીવજંતુઓના ત્રાસનો સામનો પણ ના કરવો પડે એટલે મચ્છરદાની અને પરદાથી કવર કરાયા છે. દરેક કોચમાં એક બાથરૂમ અને ત્રણ ટોઈલેટ છે, તો દરેક દર્દી પર અલગથી પંખો મળે તેનું ધ્યાન રખાયું છે.

ગત વરસે તૈયાર કરાયેલી રેલવેના ર૧ કોચ સાફસફાઈ સાથે કોવિદ વ્યવસ્થાઓથી સજજ છે, તંત્ર કહેશે ત્યારે ઉપયોગમાં આપવા તૈયાર છીએ : આદિશ પઠાણીયા(એઆરએમ, ગાંધીધામ રેલવે)