પૂર્વ કચ્છમાં બેઝઓઈલના કાળા કારોબાર પર પોલીસનું વાવાઝોડું ત્રાટકયું :૧ ડઝનથી વધુ FIR દર્જ

બેઝઓઈલના આટઆટલા વેપલામાં મુખ્ય સુત્રધાર ભરત ઉર્ફે મહારાજ નામનો જ શખ્સ જ છે : આટલું બધુ સપ્લાય કરનાર ભરતને કેમ પકડવામાં નથી આવતો ?

ભચાઉ પોલીસ મથકે ૪, અંજાર, લાકડિયા અને આડેસરમાં ર-ર, સામખિયાળી, ગાંધીધામ એ અને બી ડિવિઝનમાં ૧-૧ ગુના નોંધાયા

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં પોલીસ દ્વારા વખતો વખત ઝડપાયેલા જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીના કિસ્સામાં વિવિધ પોલીસ મથકોએ થોક બંધ ૧૩ એફઆઈઆર દર્જ કરાઈ છે. એક સામટી ફરિયાદો નોંધાતા પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ઉધામાથે દોડધામ મચી ગઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ સરહદી કચ્છમાં જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીમાં બેઝઓઈલનો વેપલો બેફામ બનતા પોલીસ દ્વારા ધોંસ બોલાવાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બેઝઓઈલ પર કડક કાર્યવાહી કરવાના આદેશ બાદ હરકતમાં આવેલી પોલીસે વિવિધ દરોડા પાડ્યા હતા. જેમાં હવે વિધિવત ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં જ એક વર્ષ પૂર્વે બનેલી ઘટનાઓ અંગે પણ વિધિવત એફઆઈઆર લોન્ચ કરાઈ છે. જેમાં પૂર્વ કચ્છમાં એક સામટી ૧૩ એફઆઈઆર નોંધાઈ છે. જે પૈકી ભચાઉ પોલીસ મથકે ૪, અંજાર, લાકડિયા અને આડેસરમાં ર-ર, સામખિયાળી, ગાંધીધામ એ અને બી ડિવિઝનમાં ૧-૧ ગુના નોંધાયા હતા.

ભચાઉમાં ૪ ગુનાઓમાં પ શખ્સો વિરૂદ્ધ વિધિવત એફઆઈઆર

ભચાઉ : ભચાઉ પોલીસ મથકે બેઝઓઈલના ચાર ગુનામાં વિધિવત એફઆઈઆર લોન્ચ કરાઈ હતી. જેમાં પીએસઓ હરજીભા સામતભા ગઢવીએ આરોપી રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા (રહે. રવ, તા.રાપર) વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદની વિગતો મુજબ ગત તા.૧૧/૭/ર૦ના નાની ચીરઈ નજીક આવેલ હોટલ શેરેપંજાબ પાસેથી બેઝઓઈલનો જથ્થો ઝડપાયો હતો. જે-તે વખતે પોલીસે કરેલી કાર્યવાહીમાં પોલીસે ર૦ હજાર લિટરની ક્ષમતાવાળા ટેન્કરની ખાલી ટાંકી તેમજ વાહનમાં ફ્યૂલ ભરવા માટેની નોઝલ, ઈલેકટ્રીક આઉટલેટ મશીન, ર૦૦ લિટર બેઝઓઈલ મળીને કુલ ૮૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે વાહનોમાં બેઝઓઈલનો જથ્થો ભરવામાં આવતો હતો. કોઈપણ પ્રકારની સેફટી વિના કરાતા કૃત્ય બદલ પોલીસે જે-તે વખતે સ્ટેશન ડાયરીમાં નોંધ કર્યા બાદ વિધિવત ગુનો નોંધ્યો હતો.બીજા બનાવમાં પીએસઓ હરજીભાઈ સામતભા ગઢવીએ આરોપી ભગીરથસિંહ મયૂરસિંહ જાડેજા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. જેમાં નાની ચીરઈ નજીક કિરણ પેટ્રોલ પમ્પ પાસે ગત તા.૭/૭/ર૦ના દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપીએ પોતાના કબજાનો ર,૪૮,૦૦૦ કિંમતનો ૪ હજાર લિટર બેઝઓઈલનો જથ્થો લોખંડના ટાંકામાં ભરીને વાહનોમાં ભરવામાં આવતો હતો. પોલીસે બેઝઓઈલ ભરવા માટેના સાધનો સહિત ૪,૧૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે ગત રોજ વિધિવત ગુનો દાખલ થયો હતો.ત્રીજો ગુનો ભચાઉ તાલુકાના લુણવા ગામે રહેતા અરજણભાઈ ખેંગારભાઈ છાંગા તેમજ ગાંધીધામમાં રહેતા જુગલ કિશોરભાઈ જોષી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓએ બે ટેન્કર અને ત્રણ ટ્રેક્ટર ટોલીમાં ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો ભરીને તેનો વેપલો કરતા હતા. જેમાં પોલીસે કુલ રપ,૯પ,ર૩૦નો શંકાસ્પદ જથ્થો બીલ કે આધારપુરાવા વગર ઝડપી પાડ્યો હતો. તેમજ કોઈપણ પ્રકારની પરવાનગી વિના ગેરકાયદેસર રીતે ફાયર સેફટીના સાધનો રાખ્યા વિના અવર-જવર કરતા વાહનોમાં ફ્યૂલ ભરવામાં આવતું હતું જે અંગે ભચાઉ પોલીસે ગુનો નોંધ્યો હતો.ભચાઉ પોલીસ મથકે ચોથો ગુનો અંજારના સતાપરમાં રહેતા સામતભાઈ રતાભાઈ માતા વિરૂદ્ધ નોંધાયો હતો. આરોપીએ પોતાના કબજાના ટેન્કરમાં અઢી લાખની કિંમતનો પાંચ હજાર લિટર બેઝઓઈલનો જથ્થો ભરીને ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનો સંગ્રહ કર્યો હતો. રૂા.પાંચ લાખનો ટેન્કર મળીને પોલીસે ૭.પ૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. લુણવા ગામના બસ સ્ટેશનની બાજુમાં ગત તા.ર૬/૧૧/ર૦ના આ દરોડો પાડવામાં આવ્યો હતો. જે અંગે ભચાઉ પોલીસ મથકે વિધિવત ગુનો નોંધાયો હતો.

લાકડિયા પોલીસે ૧૩.ર૭ લાખના ઝડપાયેલા જથ્થા અંગે બે ગુના નોંધ્યા

ભચાઉ : લાકડિયા પોલીસ મથકે પણ બેઝઓઈલના ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહ બાબતે બે એફઆઈઆર દર્જ થઈ હતી. જેમાં હેડકોન્સ્ટેબલ પ્રદીપકુમાર ચૌધરીએ નવા કટારિયામાં રહેતા આરોપી યુવરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને રતનાલમાં રહેતા નોઝલ ઓપરેટર નિલેશ મકનજી કાનજી માતા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદ મુજબ ગત તા.૪/૭/ર૧ના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં જુના કટારિયાની સીમમાં રાજબાઈ માતાજીના મંદિર પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં ટેન્કરમાં બેઝઓઈલનો ભેળસેળ યુક્ત ૩૦ હજારની કિંમતનો પ હજાર લિટર જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. તેમજ એક ટેન્કર અને ફ્યૂલ ભરવા માટેના સાધનો મળીને પોલીસે ૧૦,૬૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે બન્ને આરોપીઓ વિરૂદ્ધ વિધિવત રીતે ગુનો દાખલ કરાયો છે.બીજા ગુનામાં રાધનપુર-સામખિયાળી હાઈવે પર શિવલખા ગામની સીમમાં ખોડાસર ગામના પાટિયા પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. ગત તા.૩/૭/ર૧ના પડાયેલા દરોડામાં હેડકોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ ઉદયસિંહ ઝાલાએ મુળ ભાવનગર જિલ્લાના તળાજામાં રહેતા અને હાલ ખોડાસરમાં રહેતા આરોપી કુલદીપસિંહ દિગ્વિજયસિંહ ગોહિલ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ બનાવ સ્થળે જમીનમાં અન્ડર ગ્રાઉન્ડમાં લોખંડના બે ટાંકા બનાવીને તેમાં બેઝઓઈલનો ભેળસેળ યુક્ત ૩,પ૦૦ લિટરનો જથ્થો સંગ્રહ કર્યો હતો અને ફ્યૂલ ભરવા માટેના સાધનવડે અવર-જવર કરતા વાહનોમાં જોખમકારક રીતે પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો ભરવામાં આવતો હતો. પોલીસે પાડેલા દરોડામાં ર.ર૭ લાખના પેટ્રોલિયમ પ્રવાહી જથ્થા સાથે બે ટાંકા અને બેઝઓઈલ ભરવા માટેના સાધનો મળીને કુલ ૩.ર૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે આરોપી વિરૂદ્ધ વિધિવત ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ છે.

આડેસર પોલીસમાં ર૦,૭૯૪ લિટર ઝડપાયેલા બેઝઓઈલના બનાવમાં બે એફઆઈઆર

રાપર : તાલુકાના બામણસર ગામના પાટિયા અને આડેસરથી રાપર જતા રોડ પર સણવા ચોકડી પાસેથી ઝડપાયેલા બેઝઓઈલના જથ્થા અંગે આડેસર પોલીસ મથકે પણ બે ગુના દાખલ થયા છે. જેમાં આડેસર પીએસઆઈ વાય.કે.ગોહિલે ભચાઉના લલિયાણામાં રહેતા હરીભાઈ રાણાભાઈ ગાગલ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ પોતાના કબજામાં ટેન્કરમાં પીળા કલરનું જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી ૧૯,૯૯૭ લિટર સંગ્રહ કર્યું હતું. અંદાજે ૧૩ લાખના આ ગેરકાયદેસર બેઝઓઈલના જથ્થા સાથે પોલીસે પાંચ લાખનું ટેન્કર મળીને કુલ ૧૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી દ્વારા અનઅધિકૃત રીતે બેઝઓઈલનો સંગ્રહ કરી કોઈપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો રાખ્યા વિના બેદરકારી ભર્યું કૃત્ય આચરવામાં આવતા ગુનો નોંધાયો હતો.તો બીજા બનાવમાં પીએસઆઈ વાય.કે. ગોહિલે આડેસરમાં રહેતા કિરીટભાઈ ઈશ્વરભાઈ ડોડિયા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ગત તા.પ/૭/ર૧ના આડેસર ગામથી રાપર જવાના રસ્તા પર સણવા ચોકડી પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસે આરોપીના કબજામાંથી જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનો ૭૯૭ લિટર જથ્થો કબજે કર્યો હતો. તેમજ એક ટેન્કર મળીને પ,પ૧,૮૦પનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પણ આડેસરના આરોપી કિરીટભાઈ ઈશ્વરભાઈ ડોડિયા વિરૂદ્ધ વિધિવત ગુનો દાખલ થતા તપાસ હાથ ધરાઈ છે.

૩૪.પ૦ લાખના ઝડપાયેલા મુદ્દામાલ અંગે અંજાર પોલીસ દફતરે બે ગુના

અંજાર : પૂર્વ કચ્છમાં ઝડપાયેલા બેઝઓઈલ અંગે નોંધાયેલા ૧૩ ગુનાઓ પૈકી બે ફરિયાદ અંજાર પોલીસ દફતરે નોંધાઈ હતી. જેમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જાડેજાએ માધાપરમાં રહેતા આરોપી અંકિત રમેશચંદ્ર ઠક્કર અને અમીતકુમાર રામયજ્ઞ યાદવ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ગત તા. ૯/૭/ર૧ના પોલીસે પાડેલા દરોડામાં ૧૮.પ૦ લાખની કિંમતનો ર૪ હજાર લિટર બેઝઓઈલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ ટેન્કર મળીને ર૮.પ૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જે અંગે અંજાર પોલીસ મથકે બન્ને શખ્સો વિરૂદ્ધ વિધિવત ગુનો નોંધાવા પામ્યો છે. બીજા બનાવમાં અંજારના હેડ કોન્સ્ટેબલ નિલેશગર ગોસ્વામીએ અંજારના મેઘપરમાં રહેતા આરોપી સુનિલભાઈ દેવીદયાલ ગોયલ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે. બનાવની વિગતો મુજબ પોલીસે ગત તા.૭/૭/ર૧ના વરસાણામાં આવેલા સર્વે નં.૬૦મા આવેલા ગોડાઉન નં.૪ પાસે દરોડો પાડ્યો હતો. જેમાં આરોપીએ પોતાના કબજાના ટેન્કરમાં ૭ર હજારની કિંમતનો ૧ હજાર લિટર બેઝઓઈલનો જથ્થો સંગ્રહ કરીને બેદરકારી પૂર્વક ફાયર સેફટી વિના તેનું વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે બનાવ સ્થળેથી ટેન્કર ઉપરાંત ફ્યૂલ ભરવાના સાધનો લોખંડના ખાલી બેરલ નંગ ૧૭ મળીને કુલ ૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં પણ વિધિવત રીતે ગુનો નોંધાતા અંજાર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ગાંધીધામ એ અને બી-ડિવિઝન પોલીસ મથકે પણ બેઝઓઈલના બે ગુના

ગાંધીધામ : તાલુકાના પડાણા-ભીમાસર હાઈવે પર આવેલ મેપલ કંપની સામેના વાડામાં ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે પાડેલા દરોડા અંગે પણ વિધિવત ફોજદારી નોંધાઈ હતી. ગત તા.૯/૭/ર૧ના પાડવામાં આવેલા દરોડામાં ટેન્કરમાંથી અંદાજે દસેક હજાર લિટર બેઝઓઈલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે અંગે હેડકોન્સ્ટેબલ રામદેવસિંહ ઝાલાએ ગાંધીધામમાં રહેતા આરોપી સત્યરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપી દ્વારા ગેરકાયદેસર રીતે બેઝઓઈલનો સંગ્રહ કરી સ્થાનિકે કોઈપણ પ્રકારની ફાયર સેફટી વ્યવસ્થા રાખ્યા વિના તેની હેરફેર અને વેચાણ કરવામાં આવતું હતું. જે અંગે ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ છે.
તો ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે પણ એક એફઆઈઆર રજિસ્ટર થઈ હતી. જેમાં ભચાઉ તાલુકાના નેર ગામે રહેતા આરોપી મહાદેવભાઈ રામજીભાઈ આહિર વિરૂદ્ધ ગાંધીધામ એ-ડિવિઝન પીઆઈ એમ.એમ.જાડેજાએ ગુનો નોંધાવ્યો હતો. બનાવની વિગતો મુજબ ગત તા.૯/૭/ર૧ના પોલીસે ગળપાદર ગામે આરોપી મહાદેવભાઈ આહિરના વાડામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં આરોપીએ પોતાના વાહનમાં કોઈપણ પ્રકારની ફાયર સેફટી રાખ્યા વિના અંદાજે ૯૦૦થી ૧૦૦૦ લિટર જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી બેઝઓઈલનો સંગ્રહ કર્યો હતો. જેને પગલે પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી વિરૂદ્ધ વિધિવગત ગુનો નોંધ્યો હતો.

સુરજબારી ટોલપ્લાઝા નજીકથી ઝડપાયેલા બેઝઓઈલ અંગે સામખિયાળી પોલીસમાં ગુનો

ભચાઉ : સામખિયાળી-મોરબી હાઈવે પર સુરજબારી ટોલપ્લાઝા નજીક આવેલ હોટલ સાગર આઈ માતાની બાજુમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જે અંગે સામખિયાળી પોલીસ મથકે વિધિવત ગુનો નોંધાયો છે. સામખિયાળી પોલીસ મથકના એએસઆઈ મહેશભાઈ લખમીરભાઈ દેસાઈએ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પારિયાળામાં રહેતા આરોપી સોહિલભાઈ હારૂનભાઈ દોઢિયા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ પોતાના કબજાના ટેન્કરમાં ગેરકાયદેસર રીતે ર.૮૦ લાખની કિંમતના ૪ હજાર લિટરનો બેઝઓઈલનો જથ્થો ગેરકાયદેસર રીતે ભરીને અન્ય વાહનોમાં ફ્યૂલ ભરવા માટે નોઝલ સહિતના સાધનો રાખીને ગેરકાયદેસર રીતે બેઝઓઈલનો સંગ્રહ કરીને હેરફેર કરવામાં આવતી હતી. પોલીસે પાડેલા દરોડામાં ચાર લાખનો મુદ્દામાલ ઝડપી પાડીને આરોપી વિરૂદ્ધ વિધિવત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.