પૂર્વ કચ્છમાં ખાણ ખનિજની વિજીલન્સ સ્કવોડના ધામા

અંજાર અને વાગડ વિસ્તારમાં ગેરકાયદે કરાતી ખનિજ ચોરી પર કાર્યવાહી કરાઈ હોવાથી ચકચાર : સ્કવોડના અધિકારી – કર્મચારીઓ પર ખનન માફિયાઓ દ્વારા રેકી કરાતી હોવાનો પણ ઘટસ્ફોટ : ગુગલ લોકેશન કરતાં પણ વધુ સ્પીડે થતી રેકીથી ખનિજચોરોને અગાઉથી કરાય છે સચેત

ગાંધીધામ : કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં કિંમતી ખનિજ મળી આવે છે, ત્યારે રાજ્ય સરકારને કચ્છમાંથી અબજો રૂપિયાની આવક થાય તેવા સંજોગો પર ખનન માફિયાઓ પાણી ફેરવી રહ્યા છે. કારણ કે ગેરકાયદે રીતે કરોડો રૂપિયાનું ખનિજ ઉસેડી રોયલ્ટી ભર્યા વગર સરકારને ધુમ્બો લગાવાય છે. અવાર નવાર ખનિજ ચોરીના કિસ્સા સામે આવતા હોય છે, પરંતુ સ્થાનિકે ખાણ તંત્ર ગુલાબી નોટ ગણવામાંથી ફ્રી થતું ન હોવાથી ખનિજ ચોરી દેખાતી નથી. તેવામાં પૂર્વ કચ્છમાં ખાણ ખનિજની વિજીલન્સ સ્કવોડે ધામા નાખી અંજાર અને વાગડ વિસ્તારમાં કાર્યવાહી કરી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.આ અંગેની વિગતો મુજબ વાગડથી લઈ લખપત સુધી કચ્છમાં કુદરતી સંપદાનો અખુટ ખજાનો છે. ગામે ગામે ડુંગરો અને જમીનોમાં કિંમતી ખનિજ બેન્ટોનાઈટ, ચાઈનાકલે, માટી, પથ્થરો, લિગ્નાઈટ સહિતના ખનિજ મળી આવે છે, પરંતુ સરકારી જમીનો બાપ દાદાની મિલકત હોય તેમ બેરોકટોક પણે જેસીબી સહિતના સાધનો લગાવી ખનિજ ચોરી કરવામાં આવી રહી હોવાના કિસ્સા સમયાંતરે સામે આવતા હોય છે. ખનન માફિયાઓએ તો જિલ્લામાં ઘણા ડુંગરો નેસ્ત નાબુદ કરી નાખ્યા છે. તેમજ ઘણી કાયદેસરની લીઝની આડમાં બમણાથી વધુ વિસ્તારમાં ખનન કરી અબજો રૂપિયાની આવક રળી લીધી છે. રાજ્યમાં ખનિજની ચોરી ન થાય અને સરકારને રોયલ્ટીની આવક મળતી રહે તે માટે ખાણ ખનિજ વિભાગની રચના કરાઈ છે. રાજ્ય સરકારને જે વિભાગમાં સૌથી વધુ આવક થાય તેવા ખાણ ખનિજ વિભાગમાં ભ્રષ્ટાચારનો સડો વ્યાપી ગયો છે. જિલ્લામાં ઠેર ઠેર સરેઆમ ખનિજ ચોરી થતી હોવા છતાં ગુલાબી નોટોની પ્રસાદી લઈ ખાણ ખનિજ વિભાગ અંધારામાં હોવાનો તાલ કરી રહ્યા છે. સ્થાનિકનું તંત્ર તો આંખે પાટા બાંધી બેઠુ છે ત્યારે ગાંધીનગરથી ખાણ ખનિજ વિભાગની વિજીલન્સ સ્કવોડે પૂર્વ કચ્છમાં લટાર મારી હોવાના અહેવાલો સામે આવ્યા છે.મળતી માહિતી પ્રમાણે આ ટીમે અંજાર અને વાગડ વિસ્તારના રાપર, ભચાઉમાં ચેકિંગ કર્યું હતું, જેમાં ગેરકાયદે રીતે ખનિજ ઉત્ખનન કરતા કેટલાક કારસ્તાનો ઝપ્ટે ચડ્યા છે. જેમાં સ્થળ પરથી વાહનો પણ કબ્જે લેવાયા હોવાની વિગતો સામે આવી છે. અલબત આ બાબતે સ્થાનિકે કોઈ મગનુ નામ મરી પાડવા તૈયાર નથી. દરમિયાન ઘણી રોચક માહિતી એ સામે આવી છે કે, ખાણ ખનિજની ટીમ ગાંધીનગરથી દરોડા પાડવા આવે તેની આગોતરી જાણ ખનન માફિયાઓને થઈ જતી હોવાથી દરોડા દરમિયાન કશું પણ શંકાસ્પદ જણાઈ આવતું નથી.વિશ્વસનીય સુત્રોએ એવો દાવો કર્યો કે ખાણ ખનિજ અધિકારી કે કર્મચારી કોઈ જગ્યાએ રેડ પાડવા કે ચેકિંગ કરવા જાય ત્યારે ખનિજ માફિયાઓના માણસો દ્વારા અધિકારીઓ પર રેકી રાખવામાં આવી રહી છે. ખાણ ખનિજના અધિકારીઓ કાર્યવાહી કરવા જાય ત્યારે આવા માથાભારે શખ્સોનો ભય સતાવે છે. કામગીરી ન કરે તો ખનિજ ચોરી બેફામ બને છે. ગુગલ લોકેશનમાં આપણને સ્થળ જોવા મળે પરંતુ આ રેકી કારો એવા છે કે, અધિકારી કયારે ગાડીમાં બેઠા, કયાં ગયા, કયાં જવાના છે તેની પળે પળની માહિતી ખનિજ ચોરો સુધી પહાચી જાય છે. જેથી ચેકિંગ કરવા જાય ત્યારે સ્થળ પર ખાલી ઉત્ખનન થયેલું જોવા મળે છે, પરંતુ આ ઉત્ખનન કોણે કર્યું, ખનિજ કયાં ગયુ તેની વિગતો અધરતાલ રહી જતી હોવાની વિગતો સામે આવી છે. ગાંધીનગરના ખાણ ખનિજ વિભાગે હક્કિતમાં તો ખનિજ ચોરીની જગ્યાએ આવા રેકી કરતા તત્ત્વોને શોધી કાયદાનો પાઠ ભણાવવો જોઈએ તો જ પારદર્શિતા જળવાઈ રહેશે.