પૂર્વ કચ્છમાં ખનીજચોરો પરની તવાઈ પાસેરામાં પુણી સમાન..!

  • રાજકીય ઓથ વિના ન થઈ શકે ખનીજચોરી.?

ખનીજ ચોરીમાં ચકચારી ટ્રકોમાં અમુક ભ્રષ્ટ પોલીસની પણ હોવાની છે ચકચાર

ખનીજચોરીના આયોજનબદ્ધ ષડયંત્ર પાછળ જે કેાઈ પણ હોય, સરપંચ, તલાટી, જિલ્લા-તાલુકા પંચાયતના હોદેદારો અથવા તો પછી ધારાસભ્ય જ કેમ ન હોય..! તપાસમાં જે વાત સામે આવે તેનો ખાણખનિજ વિભાગે કલેકટરશ્રી તથા સરકાર તબક્કે કરવો જોઈએ ગુપ્ત રીપોર્ટ..!

આધોઈ-લાકડીયા-સામખીયાળી વિસ્તારમાં ચાઈનાકલેના ૬૦ જેટલા વાહનો પકડયા, ૬૦ લાખનો દંડ પણ કદાચ ફટકારાશે, પરંતુ આ ચોરી કેટલા સમયથી ચાલતી હતી? કેટલા વાહનો રોજના ધમધમતા હશે ? ઝડપાયુ તેનાથી તો દસ ગણી ચોરી રોજબરોજની થઈ રહી હોવાની છે ચકચાર : કચ્છમાથી પ૦૦થી વધુ ગાડીઓનુ થાય છે પરિવહન

ગાંધીધામ : કચ્છના પેટાળમાં અનેક પ્રકારના અદભુત ખનીજનો ખજાનો ધરબાયલો છે. પરંતુ આ ખનીજોમાથી સરકારને જે આવક થવી જોઈએ તેનાથી તો ૧૦૦ ઘણી વધારે અહી ખનીજચોરો ચોરી કરી અને કરોડોની રોયલ્ટી ચોરી કરી રહ્યા છે.પૂર્વ કચ્છમાં પણ તાજેતરમા જ ખાણ ખનીજ રહી રહીને એટલે કે મોડેથી જાગ્યુ હોય તેમ સામખીયાળી અને લાકડીયા વિસ્તારમાં પોલીસને સાથે રાખીને ચાઈનાકલેના ડમ્પરો પકડી પાડયા છે જેને અંદાજે પ૦થી ૬૦ લાખનો દંડ ફટકારવાની પણ શકયતાઓ સેવાઈ રહી છે પરંતુ અહી સવાલ એ થાય છે કે, આ ચોરી કેટલા સમયથી ચાલતી હશે? કેટલા ડમ્પરો અને વાહનો અહીથી રોજબરોજના પસાર થઈ ગયા હશે? આ તમામનુ શુ?બીજીતરફ એ પણ વાત સામે આવી રહી છે કે ખનીજચોરી સ્થાનીકના ઝભ્ભાલેગાધારીઓની ઓથ સિવાય કરવી પણ કપરી હોય છે. ખાણખનીજ વિભાગ ચોરીઓ પકડી, સર્વે-માપણી સીટ બનાવી અને કામગીરી કરી લીધાનો સંતોષ માની લેવાના બદલે હકીકતમાં આવી ચોરી પાછળ જે કોઈનો પણ દોરીસંચાર બહાર આવે તેની સામે કડક લાલઆંખ કરી દેખાડવી જોઈએ. એ પછી સરપંચ હોય, તલાટી હોય, જીલ્લા-તાલુકા પંચાયતનો સદસ્ય હોય કે પછી ધારાસભ્ય જ કેમ ન હોય.! ખાણખનિજ વિભાગે આવી ચોરીઓ પાછળ રહેલા રાજકીય નેતાઓ અંગે કલેકટરશ્રી તથા સરકારશ્રી તબક્કે ગુપ્ત રીપોર્ટ મોકલવો જોઈએ. જેથી કરીને સરકાર આવા તત્વોને બીજી વખત ટિકિટ આપતા જ સો વખત વિચાર કરે. અને આમ થશે તો રાજકીય ઝભ્ભાલેગાધારીઓ ખનીજચોરોને છાવરવાનુ પણ વત્તે ઓછે અંશે છોડી પણ દેશે.