ભચાઉમાં પુત્રને છોડાવવા ગયેલી માતાને છરી ઝિંકાઈ : આદિપુરમાં પુત્રએ પિતા સામે ગુનો નોંધાવ્યો : કિડાણામાં પત્નીએ પતિને જ્યારે જુની સુંદરપુરીમાં પતિએ પત્નીને માર માર્યો : અંજારમાં સરાજાહેર બે શખ્સો રીક્ષા ચાલક પર હુમલાનો પ્રયાસ કરી કારમાં નાસ્યા

ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાઈ રહી હોય તેમ સતત ગુનાખોરી વધી રહી છે. હજુ મનફરામાં મારામારી અને મર્ડરનો ગુનો તાજો છે ત્યાં અંતરજાળમાં લૂંટનો પ્રયાસ થયો છે તો આજે વધુ મારામારી અને હુમલાના પાંચ બનાવો પોલીસ દફતરે નોંધાયા છે.ભચાઉના રબારીવાસમાં મહિલાને છરી વડે માર મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. રબારીવાસ સર્વોદય સોસાયટીમાં રહેતા રામીબેન જગમાલભાઈ કોલીએ ભચાઉ પોલીસમાં જણાવ્યું કે, તેમનો દીકરો ચિરાગ ઘરની બહાર ઊભો હતો ત્યારે આરોપી રવી દેવીપુજકે ચિરાગને કહ્યું કે, તું ઘરની બહાર રસતામાં કેમ ઊભો છો ? તેમ કહીં ગાળો આપી ઝઘડો કરી મુંઢમાર મારવાનું શરૂ કર્યું હતું. જેથી તેઓ ઝઘડો છોડાવવા જતા આરોપીએ મહિલાને દાબા હાથમાં છરી ઝિંકી દેતા ટાંકાની ઈજા આવી હતી તો તેમના મોટા બહેન રાધાબેન ઝઘડો છોડાવવા આવતા તેમને પણ ધક્કો મારી દેવાયો હતો. જે સંદર્ભે આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આદિપુરમાં પુત્રએ પિતા સામે ફરિયાદ નોંધાવી હોવાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. આદિપુરના ચારવાડી વિસ્તારમાં રહેતા પરિવારમાં પુત્ર તુષાર પોતાના ઘરે લીલા મરચા તળતો હતો ત્યારે તેના પિતા નારાણભાઈ ખેરાજભાઈ ધુઆએ તેલ કેમ બગાડે છે આ મફતમાં આવે છે તેવું કહીં બોલાચાલી કરી ગાળો આપી હતી. જેથી તુષારે ગાળો આપવાની ના પાડતા પિતાએ છરીથી મારવા જતા હાથની આંગડીમાં પુત્રને ઈજા થતા સારવાર મેળવી આદિપુર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.આ તરફ ગાંધીધામમાં દંપત્તિ વચ્ચે ઝઘડાના બે અલગ અલગ કિસ્સા સામે આવ્યા છે. જેમાં કિડાણામાં પત્નીએ પતિને ફટકાર્યો છે તો બીજી તરફ જુની સુંદરપુરીમાં પતિએ પત્નીને માર માર્યો હતો. કિડાણાની સંભવા સોસાયટીમાં બનેલા બનાવ અંગે કૈલાશ કાનજીભાઈ ફફલે બી-ડિવિઝન પોતાની પત્ની દિવ્યાબેન સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના ઘરે પત્નીએ જમવાનું બનાવ્યું ન હતું. જેથી પતિએ જમવાનું બનાવવા માટે કહેતા મહિલાએ ઉસ્કેરાઈ જઈ બોલાચાલી કરી હતી. જેથી કૈલાશભાઈએ બોલાચાલી ન કરવા કહેતા બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં મહિલાએ પતિના માથામાં લાકડીના ફટકા મારતા ચાર ટાંકા અને મુંઢમારની ઈજા પહોંચી જે સંદર્ભે ગુનો દાખલ કરાયો છે. તો જુની સુંદરપુરીમાં રહેતા પરીણિતા સુભાનબેને તેના પતિ હનિફભાઈ અબ્દુલભાઈ રાઉમા સામે ફરિયાદ નોંધાવી છે જે મુજબ પરીણિતાને તેના પતિ હનીફ દ્વારા છેલ્લા બે વર્ષથી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવે છે. તેમાં સોમવારે પતિએ પત્નીને લાકડી-ધોકાથી હાથ,પીઠ, સાથડના ભાગે માર મારી મુંઢમારની ઈજાઓ પહોંચાડી હતી. જે સંદર્ભે પત્નીની ફરિયાદની આધારે એ-ડિવિઝન પોલીસે પતિ સામે ગુનો દાખલ કર્યો છે.અંજારના દેવડિયા નાકામાં આવેલા ખાના શેરી પાસે રિક્ષા ચાલક પર હુમલાનો પ્રયાસ થયો હતો. મેઘપર બોરીચીમાં રહેતા શબીરભાઈ અબ્દુલકરીમ બાયડે આ અંગે ખાના શેરીમાં રહેતા આરોપીઓ શબીરભાઈ નઝમુદ્દીન બાયડ અને મુસ્તાક ઉર્ફે મુસીયો નઝમુદ્દીન બાયડ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી હતી. તેમજ શબીરભાઈએ તેમના હાથમાં રહેલો લાકડાનો ધોકો લઈ ફરિયાદીને મારવા માટે દોડ્યો હતો. જોકે, બાદમાં બન્ને શખ્સો સફેદ કલરની સ્વિફટ કારમાં નાસી જઈ જતા જતા યુવાનને મારી નાખવાની ધમકી આપી ગયા હતા. જે સંદર્ભે ફરિયાદ થઈ છે.

કંથકોટમાં પ્રેમ લગ્નના મનદુઃખે બે પરિવારો વચ્ચે ઝઘડો

ભચાઉ : તાલુકાના કંથકોટ ગામે પ્રેમ લગ્નના મનદુઃખે બે પરિવારો વચ્ચે થયેલો ઝઘડો પોલીસ ચોપડે ચડ્યો છે. કંથકોટના રાયકાનગરમાં રહેતા આંબાભાઈ રામાભાઈ રબારી નામના આધેડે આ અંગે હેમા હીરા રબારી સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ફરિયાદીના ભત્રીજા રતને આરોપી હેમાના ભાઈની પત્ની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જે બાબતનું મનદુઃખ રાખી ફરિયાદી આંબાભાઈ આરોપીના ઘર પાસેથી નીકળ્યા ત્યારે આરોપી હેમાભાઈએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે સામખિયાળી પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.