પૂર્વ કચ્છમાં એસપી પદે શ્રી તોલંબીયાના ઓર્ડર માત્રથી કઈકે સામાન વીટયા…!

image description

ગુન્હેગાર આલમ-ખાખીની ભ્રષ્ટ સિન્ડીકેટમાં ભારે ફફડાટ

મયુર પાટીલ રજા પર હોવાથી ચાર્જ સીઆઈડી ક્રાઈમના એસપીશ્રી તોલંબીયાને સોપાતાની સાથે જ ગાંધીધામથી વાગડ પટ્ટા સુધીના ગુન્હેગાર તત્વોના પગ નીચેથી જમીન સરકી : અગાઉ પશ્ચીમ કચ્છ એસપી પદે શ્રી તોલંબીયાની કામગીરી રહી છે ધાક બેસાડતી

કોરોનાની પ્રથમ વેવ વખતે સૌરભ તોલંબીયાએ પોલીસની એક આંખમાં કરૂણા અને બીજીમાં કડકાઈ હોવાના આપ્યા હતા કઈક દાખલા : હવે પૂર્વ કચ્છ એસપી પદે ચાર્જ સંભાળતાની સાથે જ અહીના શિરજોર બનેલા કઈક તત્વોના છાતીના બેઠા છે પાટીયા : તો ગુન્હેગારોને છાવરતા ભ્રષ્ટ-પલળેલા ખાખીધારીઓમાં પણ ફેલાયો છે છુપો ડર

ઈદનો ૫વિત્ર તહેવાર હોતા અને કચ્છમાં અગાઉ પણ કિડાણા તથા માંડવી, મુંદરામાં તાજેતરમાં હિંસક ઘટનાઓ બની ચુકી હોવાથી સંવેદનશીલતા સભર માહોલને જોતા જ શ્રી તોલંબીયાને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા ઈન્ચાર્જ પદે અપાઈ ખાસ નિયુક્તિ

ગાંધીધામ : કચ્છમાં કાયદો-વ્યવસ્થાને વધારે સુદ્રઢ બનાવી શકાય તેવા ઉમદા ઉદેશ્યથી પોલીસ બેડાને બે ભાગમાં વિમાજીત કરવામા આવ્યુ હતુ. પૂર્વ અને પશ્ચીમ કચ્છ. આ બન્ને જિલ્લાઓમાં એસપી પદે અધિકારીઓની નિયુકિતઓ તથા કચેરીઓ-મહેકમ પણ ફાળવી દેવામાં આવ્યુ છે. પરંતુ એક યા બીજા કારણોસર વિશાળ ભુગોળ ધરાવતા આ વિસ્તારમાં પોલીસતંત્રને બે ભાગમાં વિભાજીત કર્યા બાદ પણ પૂર્વ કચ્છમાં ગુન્હાખોરીનો કોઈ જ ઓટ આવતો હોય તેમ દેખાવવા પામ્યુ નથી. અહી વધી રહેલા ક્રાઈમરેટની પાછળ પૂર્વ કચ્છને સારા-કડક-તટસ્થ-ફરજ નિષ્ઠ અધિકારીની સતત ખેાટ સતાવતી રહેતી હોવાની વાત પણ એક સર્વસામાન્ય રીતે બહાર આવવા પામતી રહી છે.દરમ્યાન જ હવે પૂર્વ કચ્છના પોલીસ વડાનો ચાર્જ અગાઉ પશ્ચીમ કચ્છ પોલીસ વડા તરીકે યશસ્વી અને ધાક બેસાડતી કાર્યવાહી કરી ચૂકેલા અને હાલમાં સીઆઈડી ક્રાઈમ અમદાવાદમાં એસપી પદે સેવારત રહેલા શ્રી સૌરભ તોલંબીયાને સોપવામા આવ્યો છે. મજાની વાત એ છે કે પૂર્વ કચ્છ એસપી પદે સૌરભ તોલંબીયાને ચાર્જ સોપાયાના આદેશ માત્રથી જ કઈક ગુન્હાહિત તત્વોએ પોતાનો સામાન અહીથી વીટી લીધો છે અથવા તો લેવાની તૈયારીઓ તાબડતોડ કરવા મંડી ગયા હોવાનો વર્તારો જોવાય છે. પૂર્વ કચ્છમાં પાઈપલાઈન તેલચોર, કોલસા ચોર, અંજારની અલગ અલગ ગાડીઓને લુંટનારા તત્વો, દારૂના ધંધાર્થીઓ, ખાણ ખનીજ માફીયા સહિતનાઓ પાછલા કેટલાક સમયથી જાણે કે મોકળુ મેદાન જ મળી ગયુ હોય તેમ બેફામ આવી ચોરીઓને ધમધમાવતા હતા. પરંતુ એસપી પદે શ્રી તોલંબીયાને ચાર્જ સોપાયાના અહેવાલો માત્રથી જ આ તમામ ગુન્હાહીત આલમમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામી ગયો છે અને જયા સુધી ચાર્જ શ્રી તોલંબીયા પાસે છે ત્યાં સુધી અહી ધંધાઓને બંધ રાખવાની નીતી પણ ગુન્હેગાર તત્વોએ અપનાવી લીધી હોવાનુ મનાય છે.
એસપી પદે શ્રી તોલંબીયાની નિયુકિતથી ન માત્ર ગુન્હાહીત તત્વો બલ્કે ચીભડ ચોર જેવાઓને માફીયા બનાવનારા કેટલાક પલળેલા ખાખીધારીઓ અને બની બેઠેલા વહીવટદારોના પણ છાતીના પાટીયા બેસી ગયા હોવાનો ગણગણાટ સામે આવી રહ્યો છે. અહી એ વાત પણ ચર્ચાના એરણે ચડી છે કે, શ્રી તોલંબીયાની ચાર્જ સોપણી પાછળ કોઈ મોટો ઉદેશ્ય પણ રહેલો છે અને તેથી જ પૂર્વ કચ્છ વિસ્તારમાં તેઓ કોઈ મોટા મિશનને પાર પાડે તો પણ નવી નવાઈ નહી કહેવાય. કારણ કે સામાન્ય રીતે પૂર્વ્‌-પશ્ચીમ કચ્છમાથી એસપીશ્રી રજામાં જતા હોય તો પરસ્પર ચાર્જની સોપણી થતી હોય છે. પરંતુ આ પ્રથમ કિસ્સો છે કે, પૂર્વ કચ્છનો ચાર્જ પશ્ચીમ કચ્છ એસપીશ્રીને સોપાયો અને બે જ દીવસમાં તેઓને મુકત કરી અને પૂર્વ કચ્છનો એસપીશ્રીનો ચાર્જ સીઆઈડી ક્રાઈમના એસપીને સોપવામા આવ્યો છે. વધુમાં સીઆઈડી ક્રાઈમના વડાને પૂર્વ કચ્છ એસપીનો ચાર્જ સોપાયો હોવાની પણ આ પ્રથમ ઘટના જ બની રહી છે એટલે આગામી દિવસોમાં ગુન્હગાર આલમને લઈને પૂર્વ કચ્છમો કોઈ મોટી કડક કાર્યવાહી થવાનો વર્તારો પણ શ્રી તોલંબીયાના આગમનથી જોવાઈ શકે તેમ કહેવુ વધારે પડનુ નહી કહેવાય.