પૂર્વ કચ્છમાં અકસ્માત-આપઘાતની ૪ ઘટનાઓમાં ત્રણ યુવાનો સહિત ૪ના મોત

ગાંધીધામ : જિલ્લામાં આપઘાત અને અકસ્માતનો દોર યથાવત રહ્યો છે તેવામાં પૂર્વ કચ્છમાં અંજાર અને વાગડ પંથકમાં યમરાજાએ લટાર મારી હોય તેમ જુદી-જુદી ચાર ઘટનાઓમાં ત્રણ યુવાન સહિત ચાર વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા.

ચિત્રોડમાં સાપ કરડી જતા યુવાનનું મોત

રાપર : તાલુકાના ચિત્રોડ ગામે રહેતા ૩પ વર્ષિય જીવાભાઈ ગોવાભાઈ સોલંકીને ગત ૬ તારીખે રાત્રિના સમયે ઘરે સાપે ડંખ માર્યો હતો, જેથી તેઓને સારવાર માટે ભચાઉ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ગતરોજ સારવાર દરમ્યાન યુવાને દમ તોડી દીધો હતો, જે અંગે આડેેસર પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરા છે.

સામખિયાળી-રાધનપુર હાઈવે પર ડ્રાઈવરનું મોત
ભુજ : સામખિયાળીથી રાધનપુરને જોડતા હાઈવે રોડ પર આઈમાતા હોટલના પાર્કિંગમાં રાજસ્થાનના હનુમાનસિંઘ મીટુસિંઘ રાવત નામના ડ્રાઈવરે પોતાની ગાડી ઉભી રાખી હતી. જ્યાંથી તે પગે ચાલીને જતો હતો ત્યારે એકાએક પડી જતા બેભાન થઈ ગયો હતો, જેને લાકડિયા હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા લાકડિયા પોલીસમાં એડી દાખલ કરાઈ છેે.

રતનાલમાં વીજ કરંટ લાગતા વૃદ્ધે પ્રાણ ગુમાવ્યા
અંજાર : તાલુકાના રતનાલ નજીક ઝરૂ રોડ પર આવેલી વાડીમાં હતભાગી ૬પ વર્ષિય ડ્રાઈવર નરશીભાઈ વિશ્રામભાઈ કાપડી ગાડી ખાલી કરવા ગયા હતા ત્યારે ડમ્પર ઉપર લેતા વાયરમાં અડી જતા ઈલેક્ટ્રીક કરંટ લાગ્યો હતો, જેથી ગંભીર ઈજાઓથી મોત નિપજ્યું હતું, જે અંગે અંજાર પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો છે.

અંજારના તુરિયાવાસમાં યુવાનનો આપઘાત
અંજાર : શહેરના તુરિયાવાસ પાસે આવેલ ઓમ ઈલેક્ટ્રોનિકની નજીક છાપરની હુકમાં દોરી વડે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ ૩પ વર્ષિય હરેશભાઈ હરખચંદભાઈ પ્રજાપતિ નામના યુવાને મોતને વ્હાલું કરી લીધું હતુ જે અંગે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી પીએસઆઈ વાઘેલાએ તપાસ હાથ ધરી છે.