પૂર્વ કચ્છના વીજચોરો સાવધાન : અંજાર તાલુકામાં વિજીલન્સનો સપાટો ઃ ૬.૦૯ લાખની વીજચોરી ઝડપી

ઉગળતા સપ્તાહની સાથે જ ચેકીંગ ટીમોના ધામા : ૭પ કનેક્શનોમાં ઝડપી ગેરરીતિ : એક સપ્તાહ સુધી ચાલુ રહેશે કામગીરી

 

ભુજ : પૂર્વ કચ્છના વીજચોરોને સાણસામાં લેવા માટે ઉગળતા સપ્તાહની સાથે ફરી પીજીવીસીએલની વિજીલન્સ ટીમોએ ધામા નાખ્યા છે. કામગીરીના પ્રારંભે જ અંજાર તાલુકામાં ત્રાટકી સપાટો બોલાવાયો હતો. ચેકીંગ ટીમોએ ૭પ કનેક્શનોમાં ગેરરીતિ ઝડપી રૂા.૬.૦૯ લાખની વીજચોરી ઝડપી પાડી હતી.
કચ્છ જિલ્લામાં ફરી વીજચોરીનું પ્રમાણ ઉંચકાયંું હોઈ વીજ તંત્રની વિજીલન્સ ટીમો દ્વારા અંજાર – ભુજ સર્કલ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ગત સપ્તાહે ભુજ સર્કલમાં કામગીરી હાથ ધરી ખૂબજ મોટા પ્રમાણમાં વીજચોરી ઝડપી પાડી હતી. જેના લીધે વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો, તો આ કામગીરી બાદ અંજાર સર્કલને પણ નિશાન બનાવાય તેવી પૂરેપૂર શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી અને તે શક્યતાઓ સાચી સાબિત થઈ હોય તેમ ઉગળતા સપ્તાહની સાથે જ ચેકીંગ ટીમોએ અંજાર સર્કલમાં ધામા નાખ્યા છે. ચેકીંગ કામગીરીના પ્રથમ દિવસે ગઈકાલે વિજીલન્સ દ્વારા અંજાર સર્કલના અંજાર રૂરલ-ર વિસ્તારોમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજ તંત્રની ર૭ ટીમોએ જુદા-જુદા કુલ પ૦ર કનેક્શનો ચેક કર્યા હતા. જેમાંથી ૭પ કનેક્શનોમાંથી ગેરરીતિ ઝડપી કુલ રૂા.૬.૦૯ લાખની વીજચોરી ઝડપી હતી. ચેકીંગ ટુકડીઓની કામગીરીના પગલે અનેક વીજચોરો ફફડી ઉઠ્યા હતા. ચેકીંગ કામગીરીમાં પુરતો સુરક્ષા બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.