પુલવામા હુમલામાં સામેલ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સહિત બે આતંકી ઠાર

(જી.એન.એસ.)શ્રીનગર,જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. શનિવારે એક એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર કર્યા હોવાની વિગતો મળી છે. પોલીસના જણાવ્યા મુજબ ઠાર કરાયેલા આતંકવાદીઓ પૈકી એક પુલવામાં હુમલામાં સામે જૈશનો ટોચનો આતંકવાદી પણ સામેલ છે.
ચોક્કસ બાતમીને આધારે પોલીસ અને લશ્કરે દાચીગામ નજીક નામિબિયન અને મારસાર જંગલ વિસ્તારની નાકાબંધી કરી હતી અને તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશન વખતે આતંકવાદીઓએ પોલીસ પાર્ટી અને સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષાદળો દ્વારા વળતો હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. કાશ્મીરના આઈજીપી વિજય કુમારના જણાવ્યા મુજબ પાકિસ્તાન સાથે સંકળાયેલા બે આતંકવાદીઓ જેઓ જૈશ-એ-મોહમ્મદ સાથે નાતો ધરાવતા હતા તેમને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. એક આતંકવાદીની ઓળખ લંબૂ તરીકે થઈ છે જ્યારે બીજાની ઓળખ બાકી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીના મતે અબૂ સૈફુલ્લાને અદમાન, ઈસ્માઈલ અને લંબૂ તરીકે પણ ઓળખવામાં આવતો હતો.૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં પણ અદનાન સામેલ હતો. તે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના રઉફ અઝહર, મૌલાના મસૂદ અઝહર અને અમ્મારનો મજબૂત સહયોગી હતો. પ્રાપ્ત વિગતો મુજબ તે વાહનોથી ચાલતા આઇઇડીનો નિષ્ણાત હતો જેનો અફઘાનિસ્તાનમાં નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે છે.અધિકારીઓના મતે તે તાલિબાન સાથે પણ સંકળાયેલો હતો. તે સલ્હા સૈફ અને ઉમરનો પણ નિકટનો વ્યક્તિ માનવામાં આવતો હતો જેમને અગાઉ ઠાર કરવામાં આવ્યા હતા. અદનાન ફરીથી જૈશને સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાના ઈનપૂટ પણ મળ્યા હતા.