પુરી-ગાંધીધામ એકસપ્રેસમાંથી ૪૦ કિલો ગાંજો ઝડપાયો

એનસીબીની ટીમે આણંદના રેલવે સ્ટેશને ઉતરેલા બે દંપત્તિની કરી ધરપકડ : પુરીથી ગાંજાનો જથ્થો લાવ્યા હતા : અમદાવાદમાં રથયાત્રામાં કડક ચેકિંગ હોવાથી આણંદ સ્ટેશને ઉતરી ગયા હતા

ભુજ : નારકોટીંગ્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે આણંદના રેલવે સ્ટેશન ઉપર વોચ ગોઠવીને પુરી-ગાંધીઘામ એક્સપ્રેસ ટ્રેનમાંથી ૪૦.૧૧૦ કિલોગ્રામ ગાંજા સાથે ઉતરેલા બે દંપતી અને એક નાના બાળકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. એનસીબીની ટીમે ખરેખર ગાંજાની હેરાફેરીમાં કોણ સંડોવાયું છે તે પુછપરછ ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ ખાતે કાર્યરત એનસીબીની ટીમને માહિતી મળી હતી કે, ઓરિસ્સાથી ટ્રેન મારફતે મોટાપાયે નશીલો પદાર્થ ગાંજો ગુજરાતમાં ઘુસાડાઈ રહ્યો છે જેના આધારે એનસીબીની ટીમે ગુપ્ત રીતે તપાસ હાથ ધરી હતી. જેમાં હકિકત મળી હતી કે, પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજાનો મોટો જથ્થો અમદાવાદ લવાઈ રહ્યો છે. જેથી એનસીબીની ટીમ સતર્ક થઈ ગઈ હતી અને પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન જે-જે સ્ટેશનોએ ઉભી રહેતી હોય ત્યાં ટીમો ગોઠવી દીધી હતી. દરમ્યાન આણંદના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ ઉપર રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન આવી પહોંચી હતી અને તમાંથી બે દંપતી અને એક બાળક થેલાઓ તેમજ પ્લાસ્ટીકની મીણીયાની થેલીઓ લઈને ઉતર્યા હતા. દરમ્યાન વોચમાં રહેલી એનસીબીની ટીમે તેમને ડિટેઈન કરીને પ્લાસ્ટીકની મીણીયાની થેલીમાં ચકાસણી કરતા ગાંજા જેવી વાશ આવતી હોય પોતાની પાસેની નાર્કો કીટથી ખાતરી કરતાં ઉક્ત
પદાર્થ ગાંજો જ હોવાનું ખુલવા પામ્યું હતુ. તેનું વજન કરતાં કુલ ૪૦.૧૧૦ કિલોગ્રામ જેટલો થવા જાય છે જેની કિંમત સ્થાનિક બજાર ભાવ પ્રમાણે ૪ લાખથી વધુની થવા જાય છે. એનસીબીની ટીમે ડિટેઈન કરેલા બે પુરૂષ અને બે મહિલાઓની પુછપરછ હાથ ધરી છે. ચારેય ઓરિસ્સાના વતની હોય ભાષાની પણ તકલીફ પડતી હોય અન્યોની પણ મદદ લઈને તેમની પુછપરછ કરાઈ રહી છે. તાજેતરમાં એસઓજીએ ભુજમાં કોલેજીયન યુવાનોને અપાતા ગાંજાના નેટવર્કનો પદાફાશ કરી પાંચ યુવાનોની ધરપકડ કરી હતી. તેઓ પાસેથી અંદાજે ત્રણેક કિલો ગાંજો ઝડપાયો હતો. આરોપીઓ કોલેજીયન યુવાનોને શિકાર બનાવી ગાંજાની છુટક પડીકીનું વેચાણ કરી યુવાધનને નશાની લત લગાડતા હતા.