પુત્રના લગ્નપ્રસંગે એનઆરઈ તરફથી સેવા સાધના – કચ્છને દાન મળ્યું

ભુજ : દેશની સાથે કચ્છમાં કોરોનાની બીજી લહેર સામે સૌ ઝઝૂમી રહ્યા છીએ. સંકટના આ સમયે હંમેશની જેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો ‘સેવા સાધના – કચ્છ’ના માધ્યમથી કચ્છની સરકારી હોસ્પિટલો, ગ્રામ્ય વિસ્તારના દવાખાનાઓમાં ડોકટરો, નર્સિંગ સ્ટાફ સાથે મળીને દર્દીઓની મદદ, ક્વોરેન્ટાઈન થયેલ દર્દીઓને ઘરે ટીફીન પહોંચાડવા, ઘરે વ્યવસ્થા ના હોય તેવા લોકો માટે હોમ ક્વોરન્ટાઈન સેન્ટર, દર્દીના સગા માટે હોસ્પિટલમાં ઓઢવા – પાથરવાની વ્યવસ્થા, દર્દીઓને મેડીકલ સાધનો, દવાઓની સહાય, અવસાન પામેલા લોકોના સન્માનપૂર્વક હિન્દુ ધાર્મિક વિધિથી અગ્નિ સંસ્કાર કરવા, અસ્થિ પરિવાર સુધી પહોંચાડવા સહિત અન્ય અનેકવિધ મદદ સાથે લોક જાગૃતિના આવશ્યક કાર્યોમાં લાગેલા છે. રાપરમાં જરૂરીયાતમંદ બાળકોને શિક્ષણમાં મદદરૂપ થવા છાત્રાલયની સુવિધા વિકસિત કરી રહ્યું છે. આ સિવાય બન્ની પચ્છમના વિસ્તારમાં જરૂરીયાતમંદ લોકોને ઘર તથા મંદિર બનાવી આપીને મદદરૂપ બન્યું છે. આ સેવાકાર્યોથી પ્રેરાઈને મૂળ સુખપર નિવાસી અને હાલે કંપાલાના ધનજીભાઈ લાલજી હિરાણીના પુત્ર વિજયના લગ્ન પ્રસંગે ૨૧,૦૦૦નું દાન સેવા સાધના – કચ્છને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેવા સાધનાના ટ્રસ્ટીઓએ આભાર વ્યક્ત કર્યો હતો અને વિજયને લગ્ન પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.