પીજીવીસીએલમાં પોલમપોલ : નડાપા સીમમાં બેફામ વીજચોરી

ખાનગી કંપનીમાં બેરોકટોક પાવર સ્પલાય : ૧ર થાંભલા ઉભા કરી વીજ રેષાઓ ખેંચી વીજચોરીને અપાતો અંજામ : પીજીવીસીએલના જ કેટલાક વિભિષણોની સાંઠગાંઠથી વીજ તંત્રને ચોપડાતો ચૂનો : તટસ્થ તપાસ થાય તો અનેકોના પગ નીચે આવે રેલા

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છ જિલ્લામાં વીજતંત્ર પર કામગીરીનું ભારણ ઘટાડવા તેમજ વીજચોરી સહિતની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે વીજતંત્રને પૂર્વ તેમજ પશ્ચિમ કચ્છમાં વિભાજીત કરી નાખવામાં આવેલ છે. વીજતંત્રને વિભાજીત કરાયા બાદ પણ માથાના દુઃખાવા સમાન વીજચોરીની પ્રવૃત્તિને અટકાવવામાં સફળતા મળી નથી. વીજચોરી થકી પીજીવીસીએલની તિજોરીને દર વર્ષે કરોડોનો ચૂનો ચોપડાઈ રહ્યો છે. વિજીલન્સ દ્વારા પણ સમયાંતરે જિલ્લામાં ડ્રાઈવ યોજવામાં આવતી હોવા છતાં વીજચોરો પર લગામ કસી શકાઈ નથી. વીજતંત્રના કેટલાક વિભિષણોના જ આશિર્વાદ થકી વીજચોરી પ્રવૃત્તિ ફુલીફાલી છે, ત્યારે નાડાપા સીમમાં પણ બેફામ વીજચોરી થઈ રહી છે. આ અંગેની વિગતો મુજબ જિલ્લામાં વીજતંત્રને ભુજ તેમજ અંજાર સર્કલમાં વિભાજીત કરી નાખવામાં આવેલ છે. આ પગલાં બાદથી કામગીરીનું ભારણ તો ઘટયું છે, પરંતુ વીજચોરીની પ્રવૃત્તિ પર સમખાવા પુરતું પણ અંકુશ લાવી શકાયું નથી. વીજચોરોને પ્રોત્સાહન આપવા પીજીવીસીએલના જ કેટલાક પલરેલા અધિકારી કર્મચારીઓ મેદાને હોઈ આ પ્રવૃત્તિ દિન-પ્રતિદિન ફુલીફાલી રહી છે. હદ તો ત્યાં સુધી થઈ ગઈ છે કે, વીજચોરોને વીજચોરી કરવા માટે થાંભલા, વીજરેષા સહિતની સામગ્રીઓ પણ વીજતંત્રના વિભિષણો દ્વારા જ પુરી પાડવામાં આવી રહી છે. ભૂતકાળમાં જિલ્લામાં અનેક મસમોટી વીજચોરીઓ ઝડપાઈ ચુકી હોવા છતાં આ પ્રવૃત્તિને રોકવા માટે કોઈ જ આયોજન ન ઘડાતા વર્તમાને પણ વીજચોરીની પ્રવૃત્તિ બેફામ છે. જિલ્લાના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારો તો શું પરંતુ ભુજ તાલુકાના નડાપા ગામની સીમમાં પણ બેફામ વીજચોરીની પ્રવૃત્તિ થઈ રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ નડાપા સીમમાં આવેલી કંપનીએ વીજ કનેકશન મેળવવા માત્ર અરજી કરી છે. વીજ તંત્ર તરફથી અરજીને મંજુરીની મહોર મારવાની બાકી હોવા છતાં કંપનીમાં વીજ પુરવઠો ચાલુ થઈ ગયો છે. કંપની સુધી ૧ર થાંભલાઓ મારફતે વીજ રેષાઓ પહોંચાડી દેવામાં આવ્યા છે. લાંબા સમયથી આ વીજચોરીની પ્રવૃત્તિને આચરવામાં આવી રહી છે. જો કે જવાબદારોના ધ્યાને આ વીજચોરી ચડી ન હોય પલળેલા અધિકારી – કર્મચારીઓના ખિસ્સા જ ગરમ થઈ રહ્યા છે. હદ તો ત્યાં સુધી થઈ ગઈ છે કે, કંપની સુધી વીજળી પહોંચાડવા પીજીસીએલની જ સાધન સામગ્રીઓ જ ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્રકારની તટસ્થ તપાસ થાય તો અનેકોના પગ નીચે રેલા આવે તેમ છે.