પીજીવીસીએલના ૧૪૦ જેટલા કર્મવીરો સંક્રમિત : કોરોનાથી ૩નાં મોત

પીજીવીસીએલના કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકે સ્થાન નહીં : લોકડાઉન સહિત હાલ પવન સાથેના માવઠા વચ્ચે વીજ તંત્રની અવિરત સેવા

ભુજ : કોરોના મહામારી દરમિયાન વીજ કર્મચારીઓની સેવા પણ અવિરત રહી છે. છતાં પણ વીજ કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકેનો દરજ્જો અપાયો નથી. કચ્છમાં વીજતંત્રના ૧૪૦ જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત બન્યા છે અને ૩ જણનું મોત નીપજ્યું છે.લાઈટ જાય અને પંખાના પાંખડા થંભે નહીં તે પહેલાં જ લોકો વીજ તંત્રની હેલ્પલાઈન પર ફોન કરીને વીજળી ડૂલ થયાની ફરિયાદ કરી દેતા હોય છે અને ગણતરીની મિનિટો અથવા તો થોડો મોટો ફોલ્ટ હોય તો એકાદ કલાકમાં જ લાઈટ આવી જાય છે. આવી સેવા વીજ તંત્રના કર્મયોગીઓએ લોકડાઉનમાં પણ અવિરત આપી હતી. લોકડાઉન દરમિયાન પણ વીજળીનો પુરવઠો યથવાત જળવાઈ રહે તે માટે વીજ તંત્રની ટીમો સતત ખડે પગે રહી હતી. બીજી લહેરમાં તો હવામાનના પલટાને કારણે પુરપાટ પવન ફૂંકાતા અનેક સ્થળોએ વીજ વિક્ષેપના બનાવો બન્યા હતા, પરંતુ વીજ તંત્રના કર્મઠ કર્મચારીઓએ કોરોનાની બીજી લહેર વચ્ચે પણ કામગીરી કરી છે. ખાસ તો ઓક્સિજન પ્લાન્ટમાં વીજળી ખોરવાઈ હતી. પવનના કારણે ડઝન થાંભલા પડી ગયા હતા, પરંતુ તેમ છતાં વીજ તંત્રના કર્મચારીઓે ગણતરીના કલાકોમાં જ ઓક્સિજન પ્લાટને વીજળીનો પૂરવઠો પુરો પાડ્યો. કચ્છ પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર શ્રી ગરવાના જણાવ્યા પ્રમાણે હાલ પણ ઓક્સિજન પ્લાન્ટમાં કોઈ વીજ વિક્ષેપ ન થાય તે માટે એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તો અત્યાર સુધીમાં કોરોના મહામારીમાં વીજ તંત્રના ૧૪૦ જેટલા કર્મચારીઓ સંક્રમિત બન્યા છે. જ્યારે ૩ કર્મીઓ મોતને ભેટ્યા છે. કોરોના વચ્ચે આટલી કામગીરી આટલું સંક્રમણ અને મોત છતાં પીજીવીસીએલના કર્મચારીઓનો કોરોના વોરિયર્સ તરીકે સમાવેશ થતો નથી. વીજ તંત્રના વિવિધ સંગઠનો દ્વારા જુદા-જુદા સ્તરે રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી સરકાર કક્ષાએથી કોઈ નિર્ણય લેવાયો નથી.