પીએમ મોદી મસ્કતમાં : ૩૦૦ વર્ષ જૂના મોતીશ્વર શિવ મંદિરમાં કરી પૂજા

મસ્કત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ એશિયાના ૩ દેશોની મુલાકાતે છે ત્યારે આ મુલાકાતના આજે છેલ્લાં દિવસે તેઓએ ઓમાનની રાજધાની મસ્કત સ્થિત પ્રાચીન મોતીશ્વર શિવ મંદિરની મુલાકાત લઈ પૂજા અર્ચન કર્યા હતા. જૂના મસ્કતમાં આવેલા આ શિવ મંદિર લગભગ ૩૦૦ વર્ષ જૂનું છે. આ પ્રાચીન શિવ મંદિર મોતીશ્વર મંદિરથી જાણીતું છે. જે મસ્કત પાસે શીબ એરપોર્ટથી લગભગ ૩પ કિલોમીટર દુર સુલતાનના પેલેસ પાસે આવેલું છે. આ મંદિરનું સંચાલન મસ્કતમાં સ્થાયી ગુજરાતી વેપારી સંગઠન કરે છે. અતિ પ્રાચીન એવા આ શિવ મંદિરમાં દરરોજ ચારસો જેટલા દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે. તો રજાના દિવસોમાં દોઢથી ૪ હજાર જેટલા લોકો દર્શન માટે આવે છે. તો આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે ઓમાનના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી.