પિંગલેશ્વર મહાદેવ મંદિરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે : પ્રદ્યુમનસિંહ જાડેજા

દરિયા કિનારાની રેતી સોનેરી ચળકાટ ધરાવતી હોઈ આ બીચને ગોલ્ડન સેન્ડ બીચ તરીકે પણ ઓળખાય છે : અબડાસાના ધારાસભ્યએ મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રીને પત્ર પાઠવી કરી રજૂઆત

નલિયા : અબડાસા તાલુકાના દરિયા કિનારે પિંગલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી પત્ર પાઠવી માંગ કરવામાં આવી છે.અબડાસા ધારાસભ્ય પી.એમ. જાડેજાએ મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રી તેમજ અન્ય સતાધિશોને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે, અબડાસા તાલુકો એ અરબી સમુદ્રના કાંઠે આવેલો છે જ્યાં તાલુકા મથક નલિયાથી ૩પ કિ.મી.ના અંતરે અને ભુજથી ૯પ કિ.મી.ના અંતરે દરિયાકાંઠે પિંગલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તેમજ આ પિંગલેશ્વરથી ઓખા (દેવભૂમિ દ્વારકા) દરિયાઈ માર્ગેથી ફકત ૩૬ કિ.મી.ના અંતરે જ આવેલું છે. આ પિંગલેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના સોમવારે અને મહાશિવરાત્રીના મેળો ભરાય છે. વર્ષ દરમિયાન સમગ્ર જિલ્લામાંથી યાત્રાળુઓ અને પર્યટકો આવતા હોય છે.આ દરિયા કિનારાની વિશેષતા એ છે કે દરિયા કિનારાની રેતી સોનેરી ચળકાટ ધરાવતી હોઈ આ બીચને ગોલ્ડન સેન્ડ બીચ તરીકે પણ ઓળખાય છે. તદુપરાંત ઘોરાડ અભ્યારણ પણ અહીંથી નજીક જ હોતા યાયાવર પક્ષીઓ પણ આ દરિયાકાંઠે આવતા હોય છે. કોઈપણ દરિયાકિનારે સુર્યાસ્ત જેવું લ્હાવો છે, પરંતુ આ ચોખા ચણાંક બીચની રેતી પર જ્યારે આથમતા સૂર્યના કિરણો પથરાય છે ત્યારે તેની સુંદરતા કંઈક અલગ જ હોય છે. આમ, આ સ્થળ દેશનું પશ્ચિમ છેડાનું સનસેટ પોઈન્ટ છે જેથી આ પિંગલેશ્વર બીચ એ યાત્રાળુઓ, પર્યટકો અને સ્થાનિક લોકો માટે અગત્યનું ફરવા લાયક પર્યટન સ્થળ અને ધાર્મિક સ્થળ છે. જેથી આ દરિયાકિનારો ધાર્મિક આસ્થાની સાથે સાથે પર્યટન સ્થળ તરીકે પણ મહત્વતા ધરાવે છે. પિંગલેશ્વર મહાદેવ મંદિર અને દરિયા કિનારાની પર્યટન સ્થળ (બીચ) તરીકે વિકસાવવાની તમામ વિશેષતાઓ હોવા છતાં આ બીચ પર યાત્રાળુઓ, પ્રવાસીઓ અને પર્યટકોને રોકાવા માટે કે ખાણી-પીણી માટેની કોઈ હોટલો, રેસ્ટોરેન્ટો, આશ્રયસ્થાનો કે આદ્યુનિક સગવડો ન હોતા પર્યટકો અહીં રોકાતા નથી કે આવતા નથી જેથી આ બીચનો જોઈએ એટલો વિકાસ થયો નથી, પરંતુ આ દરિયા કિનારે વિકસાવવા કાંઠા વિસ્તારમાં જગ્યા પર વિશાળ છે, જેથી બીચ તરીકે વિકસાવવાનો ખર્ચ પણ ઓછો થાય તેમ છે માટે આ પિંગલેશ્વર મહાદેવ મંદિરના દરિયા કિનારાની લાક્ષણીકતાઓ અને બીચ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ કરાઈ છે.