પાલિકા-પંચાયતોની ચૂંટણી માટે કોંગ્રેસની કવાય તેજ : મંગળવારે બેઠક

ઉમેદવારોની પસંદગીની જવાબદારી સ્થાનિક સ્તરે સોંપવામાં આવે તેવી શક્યતા : પ્રદેશના નેતાઓ અને પાલિકા-પંચાયતના હોદ્દેદારો અને આગેવાનો રણનીતિ ઘડશે

 

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસે આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી પાલિકા, પંચાયતોની ચૂંટણીની  પૂર્વ તૈયારી માટે આગામી મંગળવારે પ્રદેશના હોદ્દેદારો, જિલ્લા પ્રમુખ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના આગેવાનોની એક બેઠક બોલાવી છે. પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોની  ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાનારી આ બેઠકમાં ઉમેદવારોની પસંદગીથી માંડીને પ્રચાર-પ્રસાર અંગેની ચર્ચા કરાશે. આગામી ફેબ્રુઆરીમાં બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત અને ૭૫  નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સાંપડેલા પ્રતિસાદ બાદ ફેબ્રુઆરીમાં યોજાનારી પંચાયતો-પાલિકા જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી છે. છેલ્લા બે-ત્રણ વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં સત્તાધારી પક્ષ-ભાજપ વિરોધી વલણ જોવા મળ્યું છે અને તેનો સીધો ફાયદો કોંગ્રેસને થયો છે. ખેડૂતો, ગ્રામીણ વિસ્તારમાં પછાત સહિત સમાજના છેવાડાના લોકોને મુખ્યત્વે આરોગ્ય, શિક્ષણ અને રોજગારી જેવી પાયાની સમસ્યાઓથી ત્રસ્ત છે.
પરિણામે તાલુકા-જિલ્લા પંચાયતોમાં ભાજપનું ધોવાણ થયું છે. આગામી મહિને યોજાનારી ચૂંટણીમાં પણ કોંગ્રેસને સરકાર વિરોધી વલણનો લાભ મળશે તેવો આશાવાદ વ્યક્ત કરતાં કોંગ્રેસના સૂત્રો કહે છે કે, વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. જો કે, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું પ્રભુત્વ છે પરંતુ શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં હજુ પણ કોંગ્રેસે ઘણું કરવાનું બાકી હોવાથી મંગળવારે યોજાનારી પ્રદેશના આગેવાનોની બેઠકમાં
નગરપાલિકા વિસ્તારોમાં કોંગ્રેસનો જનાધાર વધે તે માટે ભાર મૂકવામાં આવે તેવું મનાય રહ્યું છે. પાલિકા-પંચાયતોની ચૂંટણીની સાથોસાથ ફેબ્રુઆરીમાં જ વિધાનસભાનું બજેટ સત્ર યોજાવાનું હોવાથી કોંગ્રેસ અર્ધશહેરી વિસ્તાર એવી ૭૫ નગરપાલિકાઓમાં પણ ભાજપ સરકારને ભીડવવા માટેની કોઈ તક છોડશે નહીં તેવું સમજાય છે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશથી માંડીને તાલુકા કક્ષાના હોદ્દેદારો-આગેવાનોએ મતભેદ ભૂલીને ચૂંટણી લડ્‌યા હતા અને તેના સારા પરિણામ સાંપડ્‌યા હોવાથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ સ્થાનિક સ્તરે જ ઉમેદવારો નક્કી કરવા સહિતની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.