પાલારા જેલના કેદીઓને લાલ-ખારા પાણીની ‘સજા’માંથી મળશે મુક્તિ

પાલિકા દ્વારા અનિયમિત અને અપુરતા જથ્થામાં થાય છે પાણી વિતરણ : બોરના અશુદ્ધ પાણીને ફિલ્ટર કરી ગબડાવાતું ગાડું : નર્મદા લાઈન માટે સરકારે ૧.૩૦ કરોડની ગ્રાન્ટ કરી મંજૂર : પા.પુ.ને માપણીની કામગીરી સોંપી દેવાઈ

 

ભુજ : સજા-એ-કાલાપાની આ વાક્ય તમામ લોકોએ સાંભળ્યું હશે. અંદમાન – નિકોબાર સ્થિત સેલ્યુલર જેલ કે જે ભારતની આઝાદીની લડાઈ લડનારા ક્રાંતિવીરો માટે અંગ્રેજોના જુલ્મ સહન કરવાનું સ્થાન હતું. આઝાદી બાદ આ જેલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ ઉઠતા ૧૧મી ફેબ્રુઆરી ૧૯૭૯ના રોજ તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ રાષ્ટ્રીય સ્મારક તરીકે ઘોષણા કરી. અહીં આ વાત પ્રસ્તુત કરવાની એટલે પડી કે જિલ્લા મથક ભુજની ભાગોળે ખાવડા રોડ પર આવેલી પાલારા જેલના કેદીઓ વર્તમાને લાલ અને ખારા પાણીની ‘સજા’ ભોગવી રહ્યા છે. જેલમાં કેદીઓ પર કોઈપણ પ્રકારના અત્યાચારો કરવામાં આવતા નથી પરંતુ બોરનું પાણી દુષિત બન્યું હોઈ તેઓ આ સજા ભોગવી રહ્યા છે.
આ અંગેની વિગતો મુજબ પાલારા જેલમાં પ૩૦ કેદીઓને રાખવાની ક્ષમતા હોઈ તે માટે તમામ પ્રકારની આનુસંગીક સુવિધાઓ વિકસાવાઈ છે, સજા કાપવા આવેલા બંદિવાનોનું હૃદય પરિવર્તન થાય અને તેઓ જ્યારે સમાજમાં પરત ફરે ત્યારે માનભેર જીવન જીવી શકે તે પ્રકારની પ્રવૃતિઓ પણ કરાવાય છે, જેલનું ભજીયા હાઉસ તો સ્વાદપ્રિય લોકો માટે માનીતું સ્થળ બની ગયું છે, વર્તમાને ૩૮૦ લોકો અહીં સજા ભોગવી રહ્યા છે જ્યારે તેમની સુરક્ષાર્થેે તેમજ અન્ય કામ સબબ પોલીસ વિભાગના ૬૮ કર્મચારીઓ પણ અહીં તૈનાત છે, જેલમાં પાણી માટે પાલિકાની આવેલી છે પરંતુ અનિયમિત અને અપુરતા પાણી વિતરણના લીધે બોરવેલ પર નિર્ભર બનવું પડયું છે. વરસાદની અનિયમિતતાના લીધે પાણીના તળ ઉંડા ઉતર્યા હોવા ઉપરાંત લાલ અને ખારૂં પાણી નીકળતું હોઈ આર.ઓ.
ની મદદથી તેને શુદ્ધ કરવામાં આવે છે. અશુદ્ધ પાણીના લીધે આર.ઓ. પણ વારંવાર બગડી જતું હોઈ બંદિવાનો લાલ-ખારા પાણીની સજા અનાયાસે જ ભોગવી રહ્યા છે.
જેલ અધિક્ષક કે. વી. ગઢવીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, બોરનું પાણી આર.ઓ. દ્વારા શુદ્ધ કરી કેદીઓ તેમજ કર્મચારીઓને આપવામાં આવે છે પરંતુ લાલ પાણીના લીધે આર.ઓ. વારંવાર બગડી જતું હોઈ અનેક વખત ટેન્કર મંગાવવાની પણ ફરજ પડે છે. નગરપાલિકા દ્વારા પુરતો સહયોગ મળતો હોવાનું જણાવી ઉમેર્યું કે, પાણી સમસ્યાના કાયમી નિરાકરણ માટે નર્મદા લાઈન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારે રૂા. ૧.૩૦ કરોડની રકમ મંજૂર કરી દીધી છે અને આ ગ્રાન્ટ હાલે પોલીસ હાઉસિંગ પાસે પડી છે. પાણી પુરવઠાને માપણી સહિતનું કામ સોંપાયું હોઈ લાઈન નાખવાનું કામ આરંભાશે ત્યારે ગ્રાન્ટ ટ્રાન્સફર કરી દેવાશે. અંતમાં તેમણે જણાવ્યું કે, નર્મદા લાઈનનું કામ ઝડપથી થાય તે માટે સક્રિય પ્રયત્નો કરાઈ રહ્યા છે.