પાલનપુરમાં યુવતીનો આપઘાત

કોટડા ચકારમાં વિષપાન કરનાર યુવાને સારવાર દરમ્યાન દમ તોડ્યો

ભુજ : પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના બે બનાવોમાં યુવતી સહિત બે વ્યકિતઓની જિંદગી ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયો હતો. નખત્રાણા તાલુકાના પાલનપુર બાંડી ગામે રહેતી યુવતીએ ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. તો ભુજ તાલુકાના કોટડા ચકાર ગામે ખેડૂત યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન જીવનદીપ બુઝાઈ ગયો હતો.
નખત્રાણા તાલુકાના નિરોણા ઉપથાણાના તપાસનીશ સહાયક ફોજદાર સુભાષચંદ્રએ વિગતો આપતા જણાવેલ કે પાલનપુર બાંડી રહેતી હીનાબેન મનજીભાઈ મહેશ્વરી (ઉ.વ.ર૦)એ રાત્રીના ત્રણ વાગ્યે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ફાંસી ખાઈને કાયમના માટે મોતની સોડતાણી લીધી હતી. હતભાગીના મૃતદેહને તેના પિતા મનજીભાઈ મહેશ્વરીએ નખત્રાણા સરકારી દવાખાને લાવતા ફરજ પરના તબીબ પી.પી. પાંડેએ પોલીસને જાણ કરતા બનાવ પ્રકાશમાં આવ્યો હતો. મૃતદેહનું પીએમ કરાવડાવી તેના પરિવારજનોને સુપરત કરતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતકના પિતા મજુરી કામ કરતા હોઈ સંતાનમાં બે દિકરા અને બે દિકરીઓ હતા જે પૈકી મોટી દિકરીના લગ્ન કરી દીધા હતા જ્યારે હીનાએ કેવા કારણોસર આત્મઘાતી પગલું ભર્યું હશે તે હજુ સુધી સ્પષ્ટ થયેલ નથી. યુવતીના મોતથી પરિવારજનો તથા સગા સંબંધીઓમાં શોકનું મોજુ છવાઈ જવા પામ્યું હતું. બીજી તરફ ભુજ તાલુકાના કોટડા ચકાર ગામે રહેતા ખેડૂત યુવાન એવા બળદેવભાઈ ભાઈલાલભાઈ સેંઘાણી (ઉ.વ.૩પ)એ ગત તા.૮-૯-૧૭ના કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી તેને તાત્કાલીક સારવાર માટે ભુજ જીકેમાં દાખલ કરાયેલ. ભાનમાં ન આવતા અને સારવાર દરમ્યાન વહેલી પરોઢના ૬ઃરર કલાકે હોસ્પીટલના બીછાને દમ તોડી દીધો હતો.
કેવા કારણે દવા પીધેલ તેના કારણો હજુ સુધી સપાટી ઉપર આવેલ નથી. હતભાગીના મોતથી પત્નીએ પતિની તથા પુત્રે પિતાની છત્રછાયા ગૂમાવતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. પધ્ધર પોલીસે એડી દાખલ કરી હેડ કોન્સ રમેશભાઈ ચૌહાણે તપાસ હાથ ધરી હતી.