પાલડી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલે પીસ્ટલથી ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર

(જી.એન.એસ.)અમદાવાદ,પાલડી પોલીસ સ્ટેશનના એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે પીસ્ટલથી માથાના ભાગે ગોળી મારી આપઘાત કર્યો હતો. જોકે અપઘાતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ અંગે પાલડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પાલડી પોલીસ સ્ટેશનના એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ઉમેશ રમણલાલ ભાટિયા ગુરુવારે સવારે રાબેતા મુજબ ૯ વાગે પોલીસ સ્ટેશન આવ્યા હતા. નોકરી આવ્યા બાદ ઉમેશભાઈએ પોલીસ સ્ટેશનની અમુક કામગીરી પણ કરી હતી. એકાદ કલાક બાદ તેમણે અંદરથી દરવાજો બંધ કરી સરકારી પીસ્ટલથી પોતાના માથાના ભાગે ગોળી મારી દીધી હતી. ગોળીનો અવાજ આવતા પોલીસ સ્ટેશનમાંથી કર્મચારીઓ દોડતા રૂમ તરફ પહોંચ્યા હતા પરંતુ રૂમ અંદરથી બંધ હોવાથી દરવાજો તોડી પ્રવેશ કર્યો હતો. ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરતા તેઓ પણ દોડી આવ્યા હતા.ઉમેશભાઈના પિતા રમણભાઈ પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા તેઓ આઈએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા થોડા સમય પહેલા જ તેઓ નિવૃત્ત થયા હતા.
ઉમેશભાઈએ કેમ આપઘાત કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી જોકે હાલ તો તેમના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે. તેના મોબાઈલ અને સુસાઈટ નોટ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. જોકે અધિકારીઓ નો ત્રાસ કે કામનું ભારણ હતું કે કેમ તેની પણ પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે.