પાનોલી GIDC ની જય એકવા ઇન્ટરનેશનલ કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી

ભરૂચમાં પાનોલી જી.આઈ.ડી.સીની જય એકવા ઇન્ટરનેશનલ કંપનીના ફિનિશ વુડ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં તમામ મટિરિયલ સાથે ટ્રક બળીને ખાક થતાં લાખોનું નુકશાન થયું હોવાનું અનુમાન છે..પાનોલી GIDCમાં જય એકવા ઇન્ટરનેશનલ કંપની આવેલી છે. જે કંપનીમાં શુક્રવારે વહેલી સવારે ૩ઃ૩૦ કલાકે ફિનિશ વૃડ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ભીષણ આગની જ્વાળાઓને પગલે સ્થાનિક કંપનીના સત્તાધીશોએ પાનોલી ફાયર વિભાગમાં જાણ કરી હતી. આગની ગંભીરતાને પગલે ૩ ફાયર ટેન્ડરો સાથે ૩૦થી વધુ ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કર્યો હતો. ફાયર ફાયટરોએ અઢી કલાકની મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, કંપનીમાં મટિરિયલ ભરવા આવેલી ટ્રક આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. આગ અંગેની જાણ થતાં કંપનીના માલિક જય પટેલ સ્થળ પર દોડી આવ્યાં હતા. આગની ઘટનામાં ગોડાઉનમાં રહેલો તમામ મટિરિયલ બળી જતાં લાખોનું નુકશાન થયું હોવાનું અનુમાન છે. ત્યારે આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી.