પાટણમાં BOBમાં રકમ ભરવા આવેલ ખેડૂતની રૂપિયા ભરેલી થેલી ગઠિયો ઉઠાવી ફરાર

(જી.એન.એસ)પાટણ,હારિજની બેન્ક ઓફ બરોડામાં પાક ધિરાણની રકમ ભરવા આવેલ ખેડૂતની રૂપિયા ભરેલી થેલી એક ગઠિયો ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી છે. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે ફરિયાદ નોંધી ગઠિયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સમી તાલુકાના સોનાર ગામના વિનોદભાઈ નાડોદા હારીજ બરોડા બેંકમાં પાક ધિરાણની રકમ ભરવા આવી રહ્યા હતા. ત્યારે ગામના જ બે વ્યક્તિઓને પાક પાક ધીરાણની રકમ બેન્ક ઓફ બરોડામાં ભરવાની હતી.જેથી વિનોદ ભાઈને ધીરાણ ભરવાની રકમ આપી હતી, એમ કુલ રૂપિયા ૮ લાખ પ્લાસ્ટિકની થેલીમાં મૂકી હારીજ બેન્ક ઓફ બરોડામાં આવ્યા હતા. તેમના ગામના બે વ્યક્તિના પાક ધીરાણના રૂપિયા પ્લાસ્ટિકની થેલીમાંથી બહાર કાઢી બીજા ૧ લાખ અને ૫૭ હજાર રૂપિયા થેલીમાં પરત મૂકી બે પગ વચ્ચે રુપિયા ભરેલ થેલી દબાવી તેઓ કાઉન્ટર પર બેંકની પાવતી ભરી રહ્યા હતા. ત્યારે એક તરુણ તેમની નજીક આવી ઉભો રહયો હતો અને તેમના પગ વચ્ચે દબાવેલ ૧.૫૭ લાખ રૂપિયા ભરેલી થેલી ખેડૂતના પગમાંથી સિફતપૂર્વક ઉઠાવી ગઠિયો ફરાર થઈ ગયો હતો. જોકે બાદમાં ખેડૂતને ખબર પડતાં બેંકના અધિકારીઓને જાણ કરી હતી.આ પ્રકારની ઘટના બનતા ભોગ બનનાર ખેડૂત વિનોદ ભાઈએ તરત જ બેંકના સિકયુરિટી ગાર્ડને આ બાબતની જાણ કરતા તેઓ એ તરતજ બેંકના દરવાજા બંધ કરી બેંકના અધિકારીઓને આ બાબતની જાણ કરી હતી. જેને લઈ બેંકની અંદર રહેલા લોકોની તપાસ કરવામાં આવી હતી, પણ કોઈ સફળતા મળવા પામી ન હતી ત્યારે આ અંગે હારીજ પોલીસને જાણ કરતા હારીજ પોલીસ બેંક ખાતે પહોંચીને ભોગ બનનારની પૂછપરછ કરીને બેંકમાં રહેલ સીસી ટીવીમાં તપાસ કરતા એક તરુણ વયનો ગઠિયો રૂપિયા ભરેલી થેલી ઉઠાવી ફરાર થઈ જતો સીસીટીવી કેમેરામાં જોવા મળ્યો હતો.આ સમગ્ર બનાવને પગલે પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફુટેજને આધારે ગઠિયાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.બેંકમાં પાક ધીરાણના રૂપિયા ભરવા આવેલ ખેડૂતની નજર ચૂકવી ગઠિયો રૂપિયા ૧.૫૭ લાખની થેલી ઉઠાવી ફરાર થઈ જતા ખેડૂત પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. જોકે પોલીસે બેંકમાં લાગેલ સીસીટીવીની ફૂટેજ જોતા ગઠિયાઓ જોવા મળ્યો હતો, ત્યારે હવે પોલીસે ફરિયાદ નોંધી ફરાર ઈસમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.