પાટણમાં રોડ પર ચાલતા બે લોકોને કારે ઉડાવ્યાઃ કાર ચાલક ફરાર

(જી.એન.એસ.)પાટણ,પાટણના અનાવાડા રોડ પર થયેલા એક અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં બે મિત્રો રોડની કિનારીએ ચાલીને જઇ રહ્યા હતા એ જ સમયે ત્યાંથી એક ટ્રક પસાર થાય છે અને જોતજોતાંમાં એક કાર આ બન્ને રાહદારીને ઉડાવી દે છે. કારે ઉડાવતાં બન્ને રાહદારીને ઇજાઓ પહોંચી હતી અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કર્યા બાદ કારચાલક ઊભો રહીને તેને હોસ્પિટલ પહોંચાડવાને બદલે ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે સીસીટીવીના આધારે ફરિયાદ નોંધી કારચાલકને ઝડપવાની તજવીજ હાથ ધરી છે.
પાટણ અનાવાડા રોડ ઉપર આવેલી અન્નપૂર્ણા સોસાયટીમાં રહેતા રાયચંદ મોહનભાઈ પટેલ અને તેમનો મિત્ર દિલીપસિંહ ધીરુભાઝાલા રાત્રિના સમયે ચાલવા નીકળતા. એક અજાણ્યો કારચાલક પાટણ તરફથી બેફામ કાર હંકારી અનાવાડા તરફ જતો હતો અને તેણે રાયચંદ પટેલ અને દિલીપસિંહને કારની ટક્કર મારી હતી, જેથી દિલીપસિંહ ઝાલા ફંગોળાઈને રોડ ઉપર પટકાતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. આ મામલે રાયચંદ પટેલે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.