પાછલા એક માસમાં કચ્છની ધરા ૧૬ વખત ધ્રુજી

રિક્ટર સ્કેલ પર ત્રણથી વધુની તીવ્રતાના ૩ કંપનો અનુભવાયા : ભૂગર્ભિય સળવળાટમાં વાગડ મોખરે

 

ભુજ : ર૦૦૧માં આવેલ વિનાશકારી ભૂકંપ બાદથી કચ્છમાં શરૂ થયેલ ભૂગર્ભિય સળવળાટ હજુ પણ શાંત થવાનો નામ લઈ રહ્યો નથી. જિલ્લામાં આવેલ મુખ્ય છ ફોલ્ટ લાઈનોમાં દરરોજ હળવા કંપનો અનુભવાતા રહેતા હોય છે. તેમાં સૌથી વધુ કંપન વાગડ વિસ્તારમાં અનુભવાતા રહેતા હોય છે ત્યારે પાછલા એક માસમાં જ કચ્છની ધરા ૧૬ વખત ધ્રુજી છે. સરહદી કચ્છ જિલ્લામાં ર૬ જાન્યુઆરી, ર૦૦૧ના દિવસે આવેલ વિનાશકારી ભૂકંપ બાદથી જિલ્લાની છ ફોલ્ટ લાઈનો સક્રિય થઈ ગઈ હોઈ સતત કંપનો અનુભવાઈ રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને વાગડ વિસ્તારમાં રાપર – ભચાઉ નજીક સૌથી વધુ કંપનો અનુભવાતા રહેતા હોય છે. કચ્છ જિલ્લો ભૂકંપની સક્રિય ફોલ્ટ લાઈનો પર આવેલ હોઈ ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા પણ કંપનોને મોટા ભૂકંપ માટે સ્પીડબ્રેકર સમાન ગણાવાઈ રહ્યા છે. જા કે, પાછલા એક માસમાં કચ્છ જિલ્લામાં એકાએક ભૂગર્ભિય સળવળાટ ગતિમય બની ગયો છે. સિસ્મોલોજી કચેરી ગાંધીનગરના આંકડાઓ પર નજર નાખીએ તો પાછલા એક માસમાં કચ્છની ધરા ૧૬ વખત ધ્રુજી છે. જેમાં સૌથી વધુ કંપનો વાગડ વિસ્તારમાં અનુભવાયા છે, તો રિક્ટર સ્કેલ પર ત્રણથી વધુની તીવ્રતાના ૩ કંપનો અનુભવાયા છે.