પાક.માં હાફિઝ સઇદને ફટકો : જમાત-ઉદ-દાવા આતંકી સંગઠન તરીકે સત્તાવાર જાહેર

કાશ્મીરમાં કાર-બોમ્બથી હુમલો થવાની શકયતા ?
જૈશ- એ- મોહમ્મદ અને લશ્કર- એ- તય્યબાએ હાથ મિલાવ્યા : ટાર્ગેટ કોઇ સિનિયર અધિકારીનું ઘર, વિધાનસભા, આર્મી કેમ્પ કે મોટી હોટેલ હોઇ શકે
શ્રીનગરઃ કાશ્મીરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ- તય્યબાના આતંકવાદીઓ વિસ્ફોટકથી ભરેલી કાર કે ટ્રકથી મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. ૧૫ જાન્યુઆરીએ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ ફિદાયીન હુમલા માટે અનેક એલર્ટ જાહેર કર્યાના સમાચાર આવ્યા હતા. ત્યારબાદ અત્યાર સુધીમાં કાશ્મીરમાં બે અને જમ્મુમાં એક એમ કુલ ત્રણ મોટા ફિદાયીન અટેક થઇ ચૂકયા છે, જેમાં ૬ જવાન શહીદ થયા છે. સામે પક્ષ દસ આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. જૈશ-એ-મોહમ્મદ આ અગાઉ ૨૦૦૧માં આવા જ ફિદાયીન હુમલા કરી ચૂકયું છે, જેમાં ત્રણ આતંકવાદીઓએ વિસ્ફોટકથી ભરેલી ટાટા સુમોનો ઉપયોગ કરીને જમ્મુ-કાશ્મીરની વિધાનસભા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણે આતંકવાદીઓ ઉપરાંત ૪૦ કરતા વધુ લોકોનાં મૃત્યુ થયા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કોઇ વરિષ્ઠ અધિકારીનું ઘર, વિધાનસભા, આર્મી કેમ્પ કે મોટી હોટેલ જેવા સ્થળે આવો મોટો હુમલો કરવા માટે જૈશ-એ- મોહમ્મદ અને લશ્કર-એ-તય્યબા સાથે મળીને કામ કરી રહ્યા છે.

 

ઇસ્લામાબાદઃ અમેરિકા અને ભારતનાં દબાણમાં આવીને આખરે પાકિસ્તાનને આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ફરજ પડી છે. પાકિસ્તાનમાં હાફિઝ સઇદને મોટો ફટકો પડયો છે. તેના આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાને પાકિસ્તાને સત્તાવાર રીતે આતંકી સંગઠન જાહેર કરી દીધું છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનુન હુસેને હાફિઝ સઇદનાં સંગઠનને આતંકી સંગઠન જાહેર કરતા વટહુકમ પર પોતાની સહી દીધી છે.આ વટહુકમનો ઉદ્દેશ્ય સંયુકત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિ (યુએનએસસી) દ્વારા પ્રતિબંધિત વ્યકિતઓ અને સંગઠનો પર લગામ લગાવવાનો છે. આ યાદીમાં જમાત-ઉદ-દાવા (જેયુડી) અને તાલિબાન જેેવા કેટલાંય આતંકી સંગઠનોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિની સહી બાદ જમાત-ઉદ-દાવા સત્તાવાર રીતે આતંકી સંગઠનની યાદીમાં આવી ગયું છે.જો આ વટહુકમ કાયદો નહીં બને તો તેની સમયમર્યાદા બાદ જમાત-ઉદ-દાવા પરથી પ્રતિબંધ આપોઆપ હટી જશે. યુુએનએસસીની પ્રતિબંધિત યાદીમાં અલકાયદા, તહરીક-એ-તાલીબાન-પાકિસ્તાન, લશ્કર-એ-ઝાંગવી, જમાત-ઉદ-દાવા, ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન, લશ્કર-એ-તોયબા વગેરે લશ્કરી સંગઠનોનો સમાવેશ થાય છે.ધ એકસપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ અનુસાર વટહુકમ આતંકવાદ પ્રતિરોધક અધિનિયમની એક કલમમાં સુધારો કરે છે અને તેના પગલે અધિકારીઓને યુએનએસસી દ્વારા પ્રતિબંધિત વ્યકિતઓ અને આતંકવાદી સંગઠનોની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવા, તેના કાર્યાલયો અને બેન્ક ખાતાંઓ સીલ કરવા વગેરેની સત્તાઓ મળે છે.દરમિયાન પાકિસ્તાની પોલીસે આતંકી હાફિઝ સઇદના જમાત-ઉદ-દાવાના હેડ કવાર્ટરની બહાર લગાવવામાં આવેલ બેરીકેડ હટાવી દીધી છે. દેશની સર્વોચ્ચ અદાલતના આદેશ પર પોલીસે હાફિઝ સઇદ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. એક દાયકાથી પણ વધુ સમય અગાઉ જમાત-ઉદ-દાવાએ સુરક્ષાના નામે આ બેરિકેડ ઊભી કરી હતી.આ ઉપરાંત ચીફ જસ્ટિસ શાકિબ નિસારે પંજાબ પોલીસને લાહોરમાં સુરક્ષાને નામે બંધ કરી દેવામાં આવેલી તમામ સડકો ખોલી નાખવા આદેશ કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પાકિસ્તાને ર૦૦પમાં યુએનએસસી પ્રસ્તાવ ૧ર૬૭ હેઠળ લશ્કર-એ-તોયબાને પણ પ્રતિબંધિત આતંકી સંગઠન તરીકે જાહેર કર્યું હતું.