પાકિસ્તાન પાસે ભારત કરતા ૫ પરમાણુ બોમ્બ વધારે છે

વિશ્વમાં રશિયા પાસે સૌથી વધારે ૬,૨૫૭ પરમાણુ બોમ્બ

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,વિશ્વના મહાવિનાશક હથિયારોની નવી યાદીમાં ન્યૂક્લિયર હથિયારોને લઈ મહત્વનો ખુલાસો થયો છે. પરમાણુ હથિયારો પર નજર રાખતી અમેરિકન સંસ્થા ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના નવા રિપોર્ટ પ્રમાણે ભારત પાસે પાકિસ્તાન કરતા ઓછા પરમાણુ બોમ્બ છે. ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ (એફએએસ)ના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન પાસે ભારત કરતા ૫ પરમાણુ બોમ્બ વધારે છે. રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન પાસે હાલ ૧૬૫ પરમાણુ બોમ્બ છે જ્યારે ભારત પાસે ૧૬૦ પરમાણુ બોમ્બ છે. વર્ષ ૧૯૮૫થી ૧૯૯૦ના સમયગાળા દરમિયાન વિશ્વમાં પરમાણુ હથિયારો બનાવવાની સ્પર્ધા જામી હતી અને તે ૫ વર્ષમાં વિશ્વમાં સૌથી વધારે પરમાણુ હથિયારો બની ગયા હતા. જો કે, શીત યુદ્ધ બાદ વિશ્વમાં પરમાણુ હથિયારના ઉત્પાદનની સંખ્યા ઘટી છે. રિપોર્ટ પ્રમાણે ૧૯૮૬માં સમગ્ર વિશ્વમાં ૭૦,૩૦૦ પરમાણુ હથિયારો હતા જે આંકડો ૨૦૨૧માં ઘટીને ૧૩,૧૦૦ થઈ ગયો છે. એફએએસના અહેવાલ પ્રમાણે હાલ વિશ્વમાં રશિયા પાસે સૌથી વધારે પરમાણુ હથિયાર છે. રશિયા પાસે હાલ ૬,૨૫૭ પરમાણુ બોમ્બ છે જે પૈકીના ૧,૬૦૦ બોમ્બને તૈનાત કરીને રાખવામાં આવેલા છે. જ્યારે ૪,૪૯૭ બોમ્બને રશિયાએ રિઝર્વ કરીને રાખ્યા છે.
અમેરિકા પાસે હાલ ૫,૫૫૦ પરમાણુ બોમ્બ છે જેમાંથી ૧,૮૦૦ તૈનાત છે જ્યારે ૩,૮૦૦ બોમ્બ રિઝર્વ કરીને રાખવામાં આવ્યા છે. એક્ટિવ પરમાણુ બોમ્બની વાત કરીએ તો ફ્રાંસ ત્રીજા અને બ્રિટન ચોથા ક્રમે છે. લિસ્ટ પ્રમાણે ચીન પાસે હાલ ૩૫૦ પરમાણુ બોમ્બ છે જ્યારે ૨૯૦ પરમાણુ બોમ્બ સાથે ફ્રાંસ ચોથા અને ૧૯૫ પરમાણુ બોમ્બ સાથે બ્રિટન પાંચમા નંબરે છે. જો કે, રિપોર્ટમાં ચીનના પરમાણુ બોમ્બની સંખ્યાને લઈ શંકા વ્યક્ત કરવામાં આવેલી છે. બ્રિટન બાદ પાકિસ્તાનનો નંબર આવે છે અને તેના પછી ૧૬૦ પરમાણુ બોમ્બ સાથે ભારત સાતમા નંબરે છે.