પાકિસ્તાને નવ સ્થળે અણુશસ્ત્રો તૈયાર રાખ્યાં હોવાનો ઘટસ્ફોટ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન શાહીદ ખાકાન અબ્બાસીએ ગત સપ્તાહે સંયુકત રાષ્ટ્રસંઘમાં એમ જણાવ્યું હતું કે પાકિસ્તાન પાસે ભારતની કોલ્ડ સ્ટાર્ટ રણનીતિ સામે કામ લેવા માટે શોર્ટ રેન્જના અણુશસ્ત્રો છે. હવે આ અણુશસ્ત્રોને લઇને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શસ્ત્રો સાથે કોઇ પણ પ્રકારની દુર્ઘટના થઇ શકે છે અથવા તો આતંકવાદીઓ દ્વારા તેની ચોરી થવાનો ખતરો છે. આ અંગે ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના તાજેતરના અહેવાલ અનુસાર  પાકિસ્તાને દેશના નવ અલગ અલગ સ્થળોએ  પોતાના અણુશસ્ત્રો રાખ્યાં છે. અમેરિકન અણુશસ્ત્ર નિષ્ણાત અને તેનો રિપોર્ટ તૈયાર કરનાર હેન્સ ક્રિસ્ટનસને જણાવ્યું છે કે પાકિસ્તાનના અણુશસ્ત્રો અલગ અલગ બેઝ સ્થિતિમાં સ્ટોરેજમાં રાખવામાં આવ્યાં છે અને આ બેઝ અણુશસ્ત્રો લોન્ચ કરવા માટે સક્ષમ છે. હેન્સ ક્રિસ્ટનસને એક અંગ્રેજી અખબાર સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન શોર્ટ રેન્જના સબ-સ્ટ્રેટેજિક અણુશસ્ત્રાગાર બનાવી રહ્યું છે. આ અણુશસ્ત્રોને પ્રાદેશિક સ્ટોરેજ સાઇટસ પર મોકલવામાં આવશે અને ત્યાંથી તેને એસેમ્બલ કરીને લોન્ચ બેઝ પર મોકલી શકાશે. તેમણે જણાવ્યું હતું કે ટૂંકા અંતરનાં શસ્ત્રોનો ઉપયોગ સંઘર્ષની શરૂઆતમાં કરવામાં આવશે અને તેથી આવાં શસ્ત્રોને સંભવતઃ સંકટની શરૂઆતમાં જ મોકલવામાં આવશે તેનાથી અકસ્માતનો ખતરો વધી જશે. જો પરંપરાગત આક્રમણમાં તેનો ઉપયોગ થશે તો વ્યૂહાત્મક અણુશસ્ત્રોનો ઉપયોગ વ્યાપક અણુયુદ્ધ તરફ ઘસડી જશે. અમેરિકાના ટ્રમ્પ પ્રશાસનના એક અધિકારીએ ગત મહિને જણાવ્યું હતું કે અમેરિકા વ્યૂહાત્મક અણુશસ્ત્રો વિકસિત કરવાને લઇને ચિંતિત છે કે જે ખાસ કરીને યુદ્ધ માટે તૈયાર કરવામાં આવ્યા છે. અમેરિકાને ડર છે કે આ શસ્ત્રો આતંકીઓના હાથમાં પહોંચી શકે છે.