પાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો : ૩ આતંકવાદીઓ પર જાહેર કર્યા કરોડોના ઈનામ

ઈસ્લામાબાદ :અફનિસ્તાન અને તેની આસપાસના દેશોમાં વકરી રહેલા આતંકવાદ પર અમેરિકા ફરી કડક વલણ અખત્યાર કરતું જણાય છે. ડ્રોન હુમલા બાદ હવે અમેરિકાએ ત્રણ મોટા પાકિસ્તાની આતંકવાદીની જાણકારી આપનારાને ઈનામ આપવાની જાહેરાત કરી છે. ઈનામની આ રકમ કુલ મળીને ૭૦ કરોડ રૂપિયા છે.અમેરિકાના ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મુલ્લા ફઝલુલ્લાહ, અબ્દુલ વલી અને મનાલ વાઘની જાણકારી આપનારાઓને ઈનામ આપવામાં આવશે. મુલ્લા પર ૫ મિલિયન ડૉલર (લગભગ ૩૨ કરોડ રૂપિયા) અને બાકીના બંને પર ત્રણ-ત્રણ મિલિયન ડોલર (એટલે કે ૧૯-૧૯ કરોડ)નું ઈનામ રાખવામાં આવ્યું છે.થોડા સમય પહેલા જ અમેરિકાએ અફઘાનિસ્તાન પર ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં મુલ્લાનો
પુત્ર પણ માર્યો ગયો હતો. આ હુમલામાં ૨૧ વિદ્રોહિઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.
મુલ્લા તહરીક-એ-તાલિબાનનો પ્રમુખ છે. તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં શામેલ રહ્યો છે. તેણે જ નોબેલ પ્રાઈઝ વિજેતા મલાલા યુસુફજઈ પર હુમલો કરાવ્યો હતો. મુલ્લાએ જ વર્ષ ૨૦૧૦માં ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેરમાં પણ હુમલા કરવાનો પ્લાન બનાવ્યો હતો, પણ નિષ્ફળ રહ્યો હતો.ફઝલુલ્લાના સાથીદારોએ જ
પાકિસ્તાનના ઈતિહાસની સૌથી ઘાતક આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ પાકિસ્તાનના પેશાવરમાં એક આર્મી સ્કૂલને નિશાન બનાવી હતી. આ હુમલામાં ૧૩૦થી વધારે બાળકો સહિત ૧૫૧ લોકોના મોત થયાં હતાં.અનેકવાર મુલ્લા ફઝલુલ્લાહ માર્યો ગયો હોવાના અહેવાલો આવી ચુક્યાં છે, પરંતુ તે ખોટા જ નિકળે છે. મુલ્લા પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં જ ક્યાંક છુપાયો હાવાનું કહેવાય છે.જ્યારે અબ્દુલ વલી અફઘાનિસ્તાનના નંગહાર અને કુનાર પ્રાંતમાં રહીને આતંકની ફેક્ટરી ચલાવે છે. વલીના જ નેતૃત્વમાં જમાત-ઉલ-અહરાર પંજાબ પ્રાંતમાં ટીપીપીના સૌથી સક્રિય નેટવર્કમાંનું એક છે. જેને આખા પાકિસ્તાનમાં અનેક હુમલાઓ અને આત્મઘાતી હુમલાઓની જવાબદારી સ્વિકારી છે.વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મનાલ વાઘ અને તેનું સંગઠન નશીલા પદાર્થોની હેરાફેરી, અપહરણ, નાટોના કાફલા પર હુમલા અને પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પારથી થતાં વ્યાપાર પર લાગતા ટેક્ષથી પૈસા કમાય છે.