પાકને ૨૬ અબજની સહાય કરશે જાપાન

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના બે મહત્ત્વના પ્રોજેક્ટને વિકસાવવા
જાપાને પાકિસ્તાનને ૨.૬ અબજ પાકિસ્તાની રૂપિયાની સહાય વધારી આપી છે.
જાપાનના વિદેશ પ્રધાન કાઝૂયુકી નકાનની પાકિસ્તાનની મુલાકાત દરમિયાન આ અંગે કરાર થયા છે. જે મુજબ જાપાન પાકિસ્તાનને મુલતાન શહેર ખાતે ૨.૧ અબજ જાપાનીઝ યેનના ખર્ચે વેધર સર્વિલયન્સ રડાર વિકસાવવામાં મદદ કરશે. ઉપરાંત હ્યુમન રિસોર્સિઝ ડેવલપમેન્ટ સ્કોલરશિપ અંગે પણ ૩૩ કરોડ જાપાનીઝ યેન ફાળવવા અંગે જાહેરાત કરવામાં આવી હતી. ૧૯૫૨ના રાજદ્વારી સંબંધ કરાર અંતર્ગત જાપાન પાકિસ્તાનના સ્થિર વિકાસમાં મદદ કરતું રહ્યું હોવાનું નકાને કરાર સમયે જણાવ્યું હતું. તેમણે પાકિસ્તાનના નવા વડા પ્રધાન ઇમરાન ખાનની મજબૂત નેતાગીરી હેઠળ આર્થિક વિકાસ અંગે આશા વ્યક્ત કરી હતી. નકામે પાકિસ્તાનના નવા નાણામંત્રી અસદ ઉંમર પાસેથી પણ નોંધનીય વિકાસની અપેક્ષા વ્યક્ત કરી હતી. પ્રોજેક્ટ ડીલ વખતે ઉમર પણ ઉપસ્થિત રહ્યા હતા. નકાને જણાવ્યું હતું કે બંને પ્રોજેક્ટ પાકિસ્તાનના વિકાસ માટે મહત્ત્વના છે અને તેનાથી જાપાન અને પાકિસ્તાનની મિત્રતા વધુ મજબૂત થશે. જાપાન ઇસ્લામાબાદ, કરાચી, ડેરા ઇસ્માઇલ ખાન અને રહીમ યાર ખાન એમ ચાર જગ્યાએ વેધર રડારના નિર્માણ માટે પાકિસ્તાનને મદદ કરશે. ઉપરાંત હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ક્ષેત્રે ટેકનિકલ સહયોગ પણ કરશે. ૧૯૫૪થી એચઆર ક્ષેત્રે જાપાને પાકિસ્તાનને કરેલી મદદ અંતર્ગત ૬૫૦૦ લોકોએ ફેલોશીપ મેળવી છે.