પાકને સોંપાયેલા છાડબેટ-કંજરકોટ પરત લેવા કચ્છભરમાં ઠરાવો

ભુજના વરિષ્ઠ સત્યાગ્રહીનું અભિયાન રાજ્ય અને કેન્દ્ર સકાર સુધી પહોંચાડાશે : ભારતના જાંબાઝ જવાનોએ બંદુકના નાળચે જીતેલી ભૂમિ કલમના એક ઝાટકે પાકિસ્તાનને સોંપાઈ હતી

ભુજ : કચ્છ સરહદે ૧૯૬પ ના યુધ્ધમાં ભારતના જાંબાઝ જવાનોએ બંદુકાના નાળચે (તાકાત બતાવીને) છાડબેટ અને કંજરકોટ વિસ્તારની ૩૦૦ ચો.કિ.મી. જમીન તત્કાલીન કેન્દ્ર સરકારે ‘કચ્છ કરાર’ હેઠળ, કલમના એક ઝાટકે પાકિસ્તાનને સોંપી દીધી તે હવે પરત મેળવવા માટેની ચળવળ કચ્છમાં વેગવાન બની રહી છે.
યુધ્ધ અને આ જમીન માટે ચાલેલા કચ્છ સત્યાગ્રહને પ૦ વર્ષ પુર્ણ થતાં ધર્મશાળા બોર્ડરે, વોર મેમોરીયલ ખાતે તા. ૯ એપ્રિલ યોજાયેલા કાર્યક્રમમાં વકિલો, પત્રકારો, સેવાભાવી સંસ્થાઓ પ્રમુખો, વરિષ્ઠ નાગરિકો અને અગ્રણીઓની હાજરીમાં ઠરાવ પસાર કરાયો હતો, તેમાં માતૃભુમિની આ જમીન પરત મેળવવા બુલંદ માંગ કરાઈ હતી, કચ્છના સાંસદ અને ધારાસભ્યોને અંગત પત્રો દ્વારા રજુઆત કરાઈ હતી. હવે આ પ્રકારના ઠરાવો કચ્છભરની તમામ ગ્રામ પંચાયતો, તમામ પ્રાથમિક અને માધ્યમિક, સરકારી-બિનસરકારી શાળાઓ, જિલ્લાના બધા બાર એસોસીયેશનો, સિનિયર સીટીઝન કાઉન્સિલ તથા પેન્શન એસોસીએશન તા. ર૦ એપ્રિલ સુધી તૈયાર કરે તથા યોગ્ય ચેનલ મારફત જિલ્લા કલેકટરને તા. ર૭ સુધી પહોંચાડે તેવું આયોજન ગોઠવાયું છે. ઠરાવની નિયત નકલો તમામને મોકલાઈ છે. આ ઠરાવો એકત્ર થાય એટલે જિલ્લા કલેકટરને ભલામણ સાથે ૩૦/૪ સુધીમાં મુખ્યમંત્રીને પહોંચાડે, સી.એમ. ના તા. ૧/પ ના ગુજરાતના સ્થાપના દિને પોતાની ભલામણ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મોકલાવે એવી અપીલ કચ્છ સત્યાગ્રહ અને સિનિયર સીટીઝન કે.વી. ભાવસારે કરે છે. આમ સત્યાગ્રહીની સુવર્ણ જયંતિ અવસરે આ ચળવળ વેગવાન બનાવવા તેઓ અથાગ પ્રયાસ કરી રહ્યા છે.