પશ્ચિમ બંગાળમાં એકધારી હિંસા

કોલકાતાઃ મે મહિનામાં થનારી પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા દરમિયાન ફાટી નીકળેલા રાજકીય હિંસાચારમાં માર્કસવાદી પક્ષના પીઢ નેતા બાસુદેબ અચારિયા પર તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)નાં ટેકેદારોએ હુમલો કર્યો હતો. આ ઉપરાંત અહીંના અનેક જિલ્લાઓમાં ટીએમસી અને ભાજપ, કોંગ્રેસ અને ડાબેરી
પક્ષોના કાર્યકરો વચ્ચે અથડામણ ફાટી નીકળી હતી. મુર્શિદાબાદ જિલ્લામાં શાસક તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ તેમજ બીરભૂમ તેમજ કૂચબિહાર જિલ્લામાં ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે થયેલી અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા હતા. પંચાયતની ચૂંટણી અંગે ઉમેદવારી નોંધાવવાના મુદ્દે ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે થયેલી ઝડપને પગલે બીરભૂમના મોહંમદ બઝાર વિસ્તારમાં બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. તેનાં પગલે ઘટનાસ્થળે પોલીસની મોટી કૂમક પહોંચી ગઇ હતી ‘હવે પરિસ્થિતિ કાબૂ હેઠળ છે’ એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.